તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વડોદરાના ખાસવાડી સ્મશાનમાં ભારે અવ્યવસ્થા: ભીના લાકડાં આપાતા ૪ કલાકે પણ અગ્નિદાહ અધૂરો, પરિવારજનોમાં આક્રોશ!
ખાનગી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે ઊઠ્યા ગંભીર સવાલો: સ્વજનોની અંતિમવિધિ માટે પરિવારજનોએ બહારથી લાવવા પડે છે છાણા અને સળગતી સામગ્રી, VMC કડક તપાસ કરે તેવી માંગ

વડોદરા : સંસ્કારી નગરી વડોદરાના ખાસવાડી સહિતના મુખ્ય સ્મશાનગૃહમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. સ્મશાનમાં સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને તંત્ર અને ખાનગી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે. સ્મશાનગૃહમાં અંતિમ વિધિ માટે સૂકા લાકડાંના બદલે ભીના લાકડાં (Wet Wood) આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે, જેના કારણે મૃતદેહના અગ્નિદાહની પ્રક્રિયા કલાકો સુધી લંબાઈ રહી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ચિતા પ્રગટાવ્યા બાદ ભીના લાકડાંને કારણે આગ સતત જળવાઈ રહેતી નથી અને ચિતા યોગ્ય રીતે સળગતી નથી. અગ્નિદાહ આપ્યાના ૩ થી ૪ કલાક જેટલો લાંબો સમય વીતી જવા છતાં પાર્થિવ દેહનો અગ્નિદાહ સંપૂર્ણપણે પૂર્ણ થતો નથી. આવી સંવેદનશીલ ક્ષણોમાં પણ મૃતકના પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી રહી છે અને સ્વજનના અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા માટે બહારથી વધારાના છાણા તેમજ અન્ય સળગતી સામગ્રી ખરીદીને લાવવાની ફરજ પડી રહી છે.
ખાનગી કોન્ટ્રાક્ટર અને VMC ની કામગીરી સામે તીવ્ર રોષ
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ખાસવાડી સહિતના સ્મશાનગૃહોનો વહીવટ અને કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યા બાદ વ્યવસ્થા કથળી હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે. અંતિમ સંસ્કાર જેવી અત્યંત સંવેદનશીલ અને પવિત્ર પ્રક્રિયામાં પણ વેપારી માનસિકતા રાખી ભીના લાકડાં પધરાવી દેવાતાં નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિકો અને પીડિત પરિવારજનોએ માંગ કરી છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બેદરકાર ખાનગી કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં ભરી સ્મશાનમાં પૂરતા પ્રમાણમાં સૂકા લાકડાંની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
