તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ‘નારીને ન્યાય’ અભિગમનું ગ્રામ્ય કક્ષાએ વિસ્તરણ : ગુજરાતની ૧૦ આદિજાતિ પંચાયતોમાં પ્રાયોગિક ધોરણે શરૂ થશે નારી અદાલત
મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ ગ્રામીણ મહિલાઓના પ્રશ્નો સ્થાનિક સ્તરે જ ઉકેલાશે : રાજ્યમાં કાર્યરત ૨૭૦થી વધુ નારી અદાલતોમાં ૯૯% કેસોના સફળ નિકાલ બાદ સરકારી નિર્ણય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ‘નારીને ન્યાય’ અભિગમને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. જિલ્લા અને તાલુકા કક્ષાની સફળતા બાદ હવે રાજ્ય સરકારે ભારત સરકારની મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા હેઠળ ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કે પ્રાયોગિક ધોરણે ૧૦ આદિજાતિ જિલ્લાઓની કુલ ૧૦ ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ આ અદાલતો કાર્યરત થશે.
૨૭૦થી વધુ નારી અદાલતોમાં ૯૯% કેસોનો સફળ નિકાલ:
વર્ષ ૨૦૧૨-૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી અદાલતોની શરૂઆત કરાવવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં ૨૭૦ જેટલી નારી અદાલતો કાર્યરત છે, જેમાં અત્યાર સુધી આવેલા ૪૫,૦૦૦ કેસોમાંથી ૪૪,૮૦૦ એટલે કે ૯૯ ટકાથી વધુ કેસોનું સફળતાપૂર્વક સમાધાન કે નિકાલ કરવામાં આવ્યો છે. આ ભારે સફળતા બાદ ગુજરાત રાજ્ય મહિલા આયોગની દરખાસ્તને પગલે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ આ કૉન્સેપ્ટને હવે ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવામાં આવી રહ્યો છે.
આદિજાતિ વિસ્તારો અને મહિલા સરપંચ ધરાવતી પંચાયતોની પસંદગી:
ગ્રામીણ અને આદિજાતિ મહિલાઓને ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી આદિજાતિ જિલ્લાઓની પંચાયતોને પ્રાથમિકતા અપાઈ છે. પસંદ કરાયેલી પંચાયતોમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને ચીકદા, દાહોદની સિંગવડ, લીમડી અને કાળીયા, મહિસાગરની કોઠંબા, છોટા ઉદેપુરની કદવાલ, વાવ-થરાદની રાધાનેસડા, અરવલ્લીની શામળપુર તથા બનાસકાંઠા જિલ્લાની જલોત્રા પંચાયતનો સમાવેશ થાય છે.
દસેય પંચાયતોમાં મહિલા નેતૃત્વ:
આ પહેલની ખાસિયત એ છે કે તમામ ૧૦ પંચાયતોમાં મહિલા સરપંચો જ કાર્યરત છે. જેમાં ગરુડેશ્વરમાં સરોજબહેન બાબુભાઈ વસાવા, ચીકદામાં લતાબેન મહેન્દ્રભાઈ વસાવા, સિંગવડમાં લખીબેન બાલુભાઈ વહોનિયા, લીમડીમાં શીલાબેન વિજયકુમાર મોરી, કાળિયામાં પુષ્પાબેન ભાવિનભાઈ મછાર, કોઠંબામાં નીતાબેન વિશાલકુમાર પટેલ, કદવાલમાં ઉજલીબેન હમસિંગભાઈ રાઠવા, રાધાનેસડામાં લક્ષ્મીબેન દેવજીભાઈ કોળી, શામળપુરમાં સંગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ અને જલોત્રામાં ગલબીબેન મહેશભાઈ ચૌધરી સરપંચ તરીકે નેતૃત્વ કરી રહ્યા છે.
આ પ્રયોગ દ્વારા ગામની મહિલાઓના કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો ગામમાં જ સાંભળીને ઉકેલવા માટેનું એક સ્થાનિક મંચ ઊભું થશે, જે પંચાયત કક્ષાએ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો માર્ગ મોકળો કરશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
