તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ઉત્તર ઝોન જિલ્લાઓની ઉત્કૃષ્ટ મહેસૂલ કામગીરી: ડિજિટલીકરણ અને ઝડપી નિકાલનું મોડલ
ઉત્તર ઝોનમાં મહેસૂલ વહીવટનું પરિવર્તન: નવીનતા અને લોકકેન્દ્રી અભિગમ

ગાંધીનગર : ગુજરાતના ઉત્તર ઝોનના જિલ્લાઓએ મહેસૂલ વહીવટને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લોકકેન્દ્રી બનાવવા માટે અનેક નવીન તેમજ ઉત્તમ પદ્ધતિઓ અપનાવી છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાઓએ મહેસૂલ વિભાગના કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
મહેસૂલ વિભાગની ચિંતન શિબિર અંતર્ગત "Best Practices" તરીકે કરવામાં આવેલી પહેલોને જણાવતા અરવલ્લી કલેકટર પ્રશસ્તિ પરીકએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાએ સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ODK ડિજિટલ મોડ્યુલ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરીને સરકારી યોજનાઓનો ૧૦૦% વ્યાપ સુનિશ્ચિત કર્યો છે. IORA અરજીઓમાં દફતરે કે નામંજૂર થતી અરજીઓનો દર ઘટાડવા પૂર્વ સ્થળ ચકાસણી અને સર્વે નંબર ઓળખની વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ ઉપરાંત જિલ્લાએ ૨ વિચરતી વિમુક્ત જાતિને ૫૬ પ્લોટની જમીન ફાળવી છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૨,૦૩૫ વારસાઈ તેમજ ૧૪,૧૭૯ સમાજ સુરક્ષા અરજીઓનો ઝડપી નિકાલ કર્યો છે.
વાવ-થરાદ જિલ્લાએ મલુપુર ખાતે અત્યાધુનિક જિલ્લા સેવા સદન સ્થાપિત કર્યું છે. સેવા-સેતુ ૨.૦ અંતર્ગત ૨૫૪ વારસાઈ કેસ પૂર્ણ કરીને ૬૨,૨૯૧ લાભાર્થીઓને લાભ આપ્યો છે. સાબરકાંઠા જિલ્લાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં મિયાવાકી પદ્ધતિથી ૨૫૦ વૃક્ષોનું નાનું વન કવચ ઊભું કરીને ગ્રીન ગવર્નન્સનું ઉત્તમ મોડલ પૂરું પાડ્યું છે, જે અંગે મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રશંસા કરી છે.
બનાસકાંઠા જિલ્લાએ ૩૩,૩૯૩ સર્વે નંબરોમાં સુઓમોટો નોંધ દ્વારા સત્તા પ્રકારમાં સુધારો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કર્યો છે.
આ પડકારોને ધ્યાનમાં લઈને નીતિવિષયક સુધારાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. જંત્રી દરોમાં વાર્ષિક AI આધારિત સુધારો, PHC-CHC માટે ગૌચર જમીન ફાળવણીની સત્તા કલેક્ટર સ્તરે સોંપવી, કલમ ૭૩-એએ, ૬૩-એબી, ૬૩-એડી જેવી જોગવાઈઓમાં સરળતા અને વિવેકાધીન સત્તા મામલતદાર/પ્રાંત અધિકારીને સોંપવી, શરતભંગ જમીનોને દંડ વસૂલીને નિયમબદ્ધ કરવાની જોગવાઈ તેમજ IORA પોર્ટલમાં સીટી સર્વે નંબરો (પ્રોપર્ટી કાર્ડ)નો સમાવેશ જેવા સુધારા અમલમાં આવે તો વહીવટ વધુ સરળ અને ઝડપી બની શકે.
ઉત્તર ઝોનના આ જિલ્લાઓએ ડિજિટલીકરણ, સુઓમોટો અભિયાન અને ઝડપી નિકાલ દ્વારા મહેસૂલ વહીવટમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ શ્રેષ્ઠ પદ્ધતિઓને અન્ય જિલ્લાઓમાં વિસ્તારવાથી રાજ્યવ્યાપી સુધારો થઈ શકશે
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
