<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

માનવીય સંવેદનાનો ઉત્તમ દાખલો : ચાવંડ-લાઠી માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાતા મંત્રી જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કાફલો રોકી મદદ કરી

એસટી બસ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું કરુણ મોત : મંત્રીઓએ ઓળખ વિધિ કરાવી પોલીસ તંત્રને દોડતું કર્યું અને પરિવારને જાણ કરવાથી લઈ તમામ વ્યવસ્થા સંભાળી

લાઠી : ચાવંડ-લાઠી માર્ગ પર એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરીયાએ રાજકીય પ્રોટોકોલ બાજુ પર મૂકી ત્વરિત માનવીય સંવેદના દર્શાવી હતી.

મંત્રીઓએ કાફલો રોકી રાહત કામગીરી સંભાળી:

અમરેલીથી ભાવનગર તરફ જઈ રહેલા મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરીયાની નજર આ અકસ્માત પર પડતા જ તેમણે તાત્કાલિક પોતાની ગાડીઓ થોભાવી દીધી હતી. મંત્રીઓ અકસ્માતગ્રસ્ત સ્થળે પહોંચ્યા હતા અને ગંભીરતા જોઈ હાજર લોકો પાસેથી વિગતો મેળવી હતી. મૃતકનો મોબાઈલ ફોન બંધ હોવાને કારણે શરૂઆતમાં તેની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની હતી, પરંતુ મંત્રીઓની હાજરીમાં વાહન નંબર અને આધાર કાર્ડની વિગતો તપાસતા મૃતક બોટાદ વિસ્તારના હોવાનું માલૂમ પડ્યું હતું.

 

પોલીસ તંત્રને સૂચના અને પરિવારને સહાય:

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીઓએ તુરંત જ અમરેલી પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સૂચના આપી હતી કે મૃતકના પરિવારજનો સુધી આ દુઃખદ સમાચાર સત્વરે પહોંચાડવામાં આવે અને તેમને બોટાદથી લાઠી સુધી લાવવા માટે તમામ જરૂરી વાહન વ્યવસ્થા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે.

 

ઝડપી પ્રક્રિયા માટે માર્ગદર્શન:

અકસ્માત બાદની કાયદાકીય પ્રક્રિયા અને પોસ્ટમોર્ટમની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મંત્રીઓએ સ્થાનિક તંત્રને સતત માર્ગદર્શન આપ્યું હતું. પરિવારજનોને આ કપરા સમયે કોઈ હાલાકી ન પડે અને મૃતદેહ વહેલી તકે સોંપવામાં આવે તે માટે તેઓ સ્થળ પર હાજર રહીને કાર્યવાહીના સાક્ષી બન્યા હતા. મંત્રીઓની આ ત્વરિત કાર્યવાહી અને અકસ્માત સમયે દાખવેલી સક્રિયતાની સ્થાનિકોમાં પણ પ્રશંસા થઈ રહી છે. નરેન્દ્ર ભાઈ અને ભુપેન્દ્ર ભાઈના મંત્રીમંડળના સભ્યોએ એક જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવીને શોકાતુર પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:35 PM IST)