તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
દર વર્ષે રોગપ્રતિકારક દવા જ ત્રણ લાખના જીવ લે છે
એઆઈને પૂછીને પણ દવા લેવાનું ટાળો, ડોક્ટરની સલાહ વિના દવા લેવી જોખમી

સુરત,તા.૧૯: સામાન્ય તાવ, શરદી કે ગળામાં દુખાવો થાય એટલે તરત એન્ટિબાયોટિક દવા લઈ લેવાની આદત જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના દવા લેવી, અધૂરો કોર્સ છોડવો અને હવે તો એઆઈને પૂછીને દેવા શરૂ કરી દેવાનું વધતું વલણ આરોગ્ય સામે મોટા પડકાર બની રહ્યું છે. એન્ટિબાયોટિકના અયોગ્ય ઉપયોગને કારણે દવાઓની અસરકારકતા ઘટી રહી છે અને સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની રહી છે. એક મેડિકલ સરવે મુજબ ભારતમાં દર વર્ષે આશરે ૩ લાખ લોકોનાં મૃત્યુ એન્ટિબાયોટિકલના અયોગ્ય ઉપયોગ સાથે સંકળાયેલા છે. આ ગંભીર સ્થિતિ અંગે જાગૃતિ લાવવા ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન વર્લ્ડ એન્ટિમાઇક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે.
જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન તબીબોએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૦થી ૨૦૨૧ દરમિયાન થયેલા GRAM ગ્લોબલ રિસર્ચ ઓન એન્ટિમાઈ ક્રોબિયલ રેઝિસ્ટન્સ અભ્યાસ પ્રમાણે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સને કારણે વિશ્વમાં આશરે ૧.૨૭ મિલિયન લોકોનાં સીધા મૃત્યુ થયાં હતાં, જયારે ૪.૯૫ મિલિયન મૃત્યુ આ સમસ્યા સાથે આડકતરી રીતે સંકળાયેલાં હતાં. આ અભ્યાસ વર્ષ ૨૦૫૦ સુધીના અંદાજોનું પણ મૂલ્યાંકન કરશે.
એન્ટિબાયોટિક લેતા પહેલાં આ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી
*ડોકટરની સલાહ વિના એન્ટિબાયોટિક દવા ક્યારેય ન લો
*સેલ્ફ મેડિકેશન કે એઆઈને પુછીને દવા લેવાનું ટાળો
*વાયરલ ચેપમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ ન કરો
*ચેપથી બચવા નિયમિત રીતે હાથ ધોવાની આદત રાખો
*ચેપ સામે રક્ષણ માટે સમયસર રસીકરણ કરાવો
*ડોક્ટરે નક્કી કરેલો ડોઝ અને દવાનો કોર્સ પૂરો કરો
શરીરમાં રહેલા બેક્ટેરિયા દવાની સામે ટકી રહેવાની ક્ષમતા વિકસાવે છે
એન્ટિબાયોટિકનો બિનજરૂરી ઉપયોગ થતાં શરીરમાં રહેલા બેક્ટેરિયા દવાની સામે ટકી રહેવાની ક્ષમતા વિકસાવે છે. પરિણામે દવા અસર કરતી નથી અને ચેપ મટાડવો મુશ્કેલ બને છે. ચિતાજનક બાબત એ છે કે હવે કેટલાક લોકો તબીબી સલાહ લેવાને બદલે એઆઈને પૂછીને પણ દવા લેવાનું શરૂ કરી દે છે. એઆઈ માહિતી આપી શકે, પરંતુ ડોક્ટરની તપાસ અને નિદાનનું સ્થાન લઈ શકે નહીં. સિવિલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં માઇક્રોબાયોલોજી વિભાગના સંગીતા રાજદેવ, ફાર્મેકોલોજી વિભાગના ડો. ચેતના પટેલ, નર્સિગ એસો.ના સેક્રેટરી ઇકબાલ કડીવાલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.(
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
