તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
અમદાવાદમા વરસાદ બંધ થયા છતાં પાણી ન ઓસરતા બોપલના ત્રસ્ત નાગરિકોનો ભારે રોષ : મેયરને ઘેરીને પ્રશ્નોની ઝડી વરસાવી : જાતે પંપ ચાલુ કરવા પડ્યા મેયરને
બોપલમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મેયર હિતેશ બારોટની મુલાકાત, સ્થળ પર AMCના કર્મચારી ન મળતા મેયરે સ્વહસ્તે ડિવોટરિંગ પંપ ચાલુ કર્યો, નાગરિકોએ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ તા.૨૬ : અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ બોપલ વિસ્તારમાં પાણી ન ઓસરતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો. પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ જ્યારે મેયર હિતેશ બારોટ વિસ્તારની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ઘેરી લીધા અને તંત્રની કામગીરી પર પ્રશ્નોની ઝડી વરસાવી.
મેયર હિતેશ બારોટ જ્યારે બોપલના પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે AMC દ્વારા પાણી ઉલેચવા માટે ડિવોટરિંગ પંપ તો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેને ચાલુ કરવા માટે ત્યાં મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી હાજર ન હતો.
આ સ્થિતિ જોઈને મેયરે જાતે જ પંપ સ્વહસ્તે ચાલુ કર્યો. મેયરનો આ વરવો અનુભવ કેમેરામાં પણ કેદ થયો હતો.
સ્થાનિકોએ મેયરને પૂછ્યું કે વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છતાં પાણી કેમ નથી ઉતરતું? તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? પંપ મૂક્યા છે તો ઓપરેટ કરવા માટે માણસ કેમ નથી?
નાગરિકોનો આક્રોશ જોઈને મેયરે તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર બોલાવીને કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તંત્રની બેદરકારી અંગે ચર્ચા કરી રહ્યા છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
