તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025ની યાદીમાં ગુજરાતની એક પણ ગ્રામ પંચાયતને સ્થાન ન મળતા ઉઠ્યા ગંભીર સવાલો, ‘ગુજરાત મોડેલ’ સામે વિપક્ષના આકરા પ્રહારો
કેન્દ્રના પંચાયતી રાજ મંત્રાલયે દેશની 42 ગ્રામ પંચાયતોને પુરસ્કાર માટે પસંદ કરી, પરંતુ પર્યાવરણ, સ્વચ્છતા અને સુશાસનના માપદંડોમાં ગુજરાતની એક પણ પંચાયત ન ઠરી સન્માનને લાયક

ગાંધીનગર તા.૨૫ : કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025’ની યાદીમાં ગુજરાતનું નામ જ ગાયબ થઈ જતા રાજ્યના પંચાયતી રાજ માળખા અને વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઉભા થયા છે. જે ગુજરાતના ‘વિકાસ મોડેલ’ની વાતો કરી દેશભરમાં અમલની વાતો કરવામાં આવે છે, તે જ રાજ્યની એક પણ ગ્રામ પંચાયત કેન્દ્ર સરકારની નજરમાં રાષ્ટ્રીય સન્માનને લાયક ન ઠરી. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને વિપક્ષે સરકારની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.
પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ વર્ષે દેશની કુલ 42 ગ્રામ પંચાયતોને વિવિધ કેટેગરી હેઠળ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કારોમાં ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ પંચાયત એવોર્ડ, આત્મનિર્ભર પંચાયત વિશેષ પુરસ્કાર અને પંચાયત વિદ્યાર્થી નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કારનો સમાવેશ થાય છે. પર્યાવરણ, સ્વચ્છતા, આરોગ્ય, રાજકોષીય સ્વનિર્ભરતા અને સુશાસન જેવા મહત્વના માપદંડોના આધારે આ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે. બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને આસામ સહિતના રાજ્યોમાંથી પુરસ્કાર વિજેતા પંચાયતોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ 34 જિલ્લા પંચાયત અને 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો ધરાવતા ગુજરાતનું નામ આ યાદીમાં ક્યાંય દેખાતું નથી.
નોંધનીય બાબત એ છે કે પુરસ્કાર માટે પસંદ થયેલી છમાંથી ત્રણ ગ્રામ પંચાયતોનું નેતૃત્વ મહિલા સરપંચો દ્વારા કરવામાં આવે છે. બિહારની મોતીપુર, મહારાષ્ટ્રની દાવ્વા એસ અને ઓડિશાની હાટબદ્રા ગ્રામ પંચાયતની મહિલા સરપંચોએ આબોહવા સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં અનુકરણીય કામગીરી કરી છે, જે તળિયાના સ્તરે સર્વસમાવેશક નેતૃત્વનું પ્રતિબિંબ પાડે છે.
ગુજરાતની એક પણ પંચાયત પુરસ્કાર માટે પસંદ ન થવા પાછળ રાજ્ય સરકારની પંચાયતી રાજ વ્યવસ્થાની નબળાઈઓ જવાબદાર હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે રાજ્યમાં વિકાસ માત્ર વિજ્ઞાપનો અને ભાષણો પૂરતો જ સીમિત રહી ગયો છે. ગામડાઓમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ છે. સ્વચ્છતા અભિયાન, નળ સે જળ યોજના અને આરોગ્યની સુવિધાઓ કાગળ પર જ જોવા મળે છે. ગ્રામ પંચાયતોને પૂરતું ભંડોળ અને વહીવટી સ્વાયત્તતા ન મળવાના કારણે સરપંચો કોઈ નક્કર કામ કરી શકતા નથી. જેના કારણે રાષ્ટ્રીય સ્તરના માપદંડોમાં ગુજરાતની પંચાયતો પાછળ રહી ગઈ છે.
આ તરફ રાજ્યના પંચાયત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પુરસ્કાર માટેની પ્રક્રિયા ખૂબ જ કડક હોય છે અને અનેક ટેકનિકલ માપદંડો પૂરા કરવાના હોય છે. રાજ્યની અનેક ગ્રામ પંચાયતોએ સારી કામગીરી કરી છે, પરંતુ દસ્તાવેજીકરણ અને ઓનલાઈન રિપોર્ટિંગમાં ક્ષતિના કારણે કદાચ પસંદગી થઈ શકી ન હોય. વિભાગ દ્વારા આ મામલે સમીક્ષા કરવામાં આવશે અને આગામી વર્ષે વધુમાં વધુ પંચાયતો પુરસ્કાર માટે પસંદ થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.
રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારમાં ગુજરાતનું નામ ન હોવાની ઘટનાએ ‘ગુજરાત મોડેલ’ની વાસ્તવિકતા સામે અરીસો ધર્યો છે. ગ્રામીણ વિકાસના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનું અંતર આ યાદીએ છતું કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ ઘટનામાંથી બોધપાઠ લઈને ગ્રામ પંચાયતોને ખરા અર્થમાં સશક્ત બનાવવાની દિશામાં કામ કરે છે કે પછી આ મામલો પણ રાજકીય નિવેદનબાજીમાં જ અટવાઈ જશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
