<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મરેલા માણસને પણ જીવતો કરી દીધો! ગાંધીનગરમાં કરોડોની જમીન પચાવી પાડવા માટે કળિયુગી દીકરાએ મૃતક પિતાના નામે બનાવ્યું નકલી સોગંદનામું

કડજોદરા ગામની કરોડોની વડીલોપાર્જીત જમીન હડપવાનું મોટું કાવતરું ખુલ્લું પડ્યું: કલેક્ટરની SIT તપાસ બાદ દેહગામ પોલીસે પિયુષ પટેલ સામે નોંધ્યો ગુનો

ગાંધીનગ : ગુજરાતમાં જમીન પચાવી પાડવા માટે માફિયાઓ અને લોભી તત્વો કેવા-કેવા કીમિયા અપનાવતા હોય છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને કાયદાના રક્ષકોને પણ ચકરાવે ચડાવી દે તેવો કિસ્સો પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે જમીનની ખરીદ-વેચાણ કે વારસાઈ માટે જીવિત વ્યક્તિએ સોગંદનામું કરવું પડતું હોય છે, પરંતુ અહીં તો કરોડોની જમીન ભૂખ વરુઓની જેમ હડપ કરવા માટે એક કળિયુગી દીકરાએ પોતાના મૃતક પિતાના નામે જ નકલી સોગંદનામું ઊભું કરી દીધું! આ હાઈપ્રોફાઈલ છેતરપિંડીની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

આ આખી ઘટનાની વિગત એવી છે કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા કડજોદરા ગામની સીમમાં સર્વે નંબર ૫૩૪ વાળી કરોડો રૂપિયાની કિંમતી વડીલોપાર્જીત જમીન આવેલી છે. આ જમીનને ગેરકાયદેસર રીતે પોતાના નામે કરી લેવા માટે આરોપી પિયુષભાઈ રામાભાઈ પટેલે એક મોટું કાવતરું ઘડ્યું હતું. આરોપી પિયુષે પોતાના સ્વર્ગસ્થ પિતા રામાભાઈના નામે એક કૂટ કપટથી ભરેલું નકલી સોગંદનામું સરકારી ચોપડે રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં અલગ-અલગ નામ ધરાવતી વ્યક્તિઓ વાસ્તવમાં એક જ હોવાનું ખોટું લખાણ ઊભું કરવામાં આવ્યું હતું અને તેના આધારે મહેસૂલી રેકોર્ડમાં ગેરકાયદેસર રીતે પોતાની વારસાઈ નોંધ નંબર ૬૧૫૨ પડાવી લીધી હતી.

મૃતક વ્યક્તિના નામે સોગંદનામું તૈયાર કરીને તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ થતાં જ અસલી જમીન માલિકો ચોંકી ઉઠ્યા હતા. આ કૌભાંડનો ભોગ બનેલા ફરિયાદી બરમનભાઈ સુખાભાઇ પટેલે તાત્કાલિક ગાંધીનગર કલેક્ટરની ખાસ તપાસ ટીમ એટલે કે સીટ (SIT) સમક્ષ ન્યાય માટે ધા નાખી હતી. આ સાથે જ આ ગેરકાયદેસર વારસાઈ નોંધ સામે પ્રાંત અધિકારી સમક્ષ પણ અપીલ દાખલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ દસ્તાવેજોની ચકાસણી કરતા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું, જેથી તેમણે તાત્કાલિક હુકમ કરીને વિવાદાસ્પદ નોંધ નંબર ૬૧૫૨ રદ કરી દીધી હતી અને આરોપીના વારસદારોના નામ કમી કરવા આદેશ આપ્યો હતો.

કલેક્ટર કચેરીની 'સીટ' (SIT) ના સખત આદેશ અને જિલ્લા પોલીસ અધિક્ષકના લીલીઝંડી આપતા હુકમ બાદ, આખરે દહેગામ પોલીસે કાયદાનો સપાટો બોલાવ્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી પિયુષભાઈ રામાભાઈ પટેલ વિરુદ્ધ આઈપીસી (IPC) ની ગંભીર કલમો ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૨૦ (છેતરપિંડી), ૪૬૫, ૪૬૭, ૪૬૮ (વિવિધ પ્રકારના નકલી દસ્તાવેજો બનાવવા) અને ૬૭૧ હેઠળ ગુનો દાખલ કરી દીધો છે. કરોડોની જમીન માટે સગા પિતાના મોતના નામે ખેલ ખેલનારા આરોપીને દબોચી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(7:21 PM IST)