તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th November 2026
અમદાવાદના બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો: દબાણ હટાવવા ગયેલી પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ!
બાપુનગર ભીડભંજન રોડ પર એસ્ટેટ વિભાગની ટીમ સાથે લારીવાળા અને મહિલાઓનું ઘર્ષણ:એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો:મહિલા પોલીસકર્મીને સામાન્ય ઈજા

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું અને સ્થાનિક લારીધારકો તથા મહિલાઓ દ્વારા એસ્ટેટ વિભાગની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વાત વણસતાં મામલો ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો.
વિરોધ કરી રહેલી ઉશ્કેરાયેલી ભીડ અને મહિલાઓ દ્વારા એસ્ટેટ વિભાગની સરકારી ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનને નુકસાન પહોંચ્યું હતું. આ માથાકૂટ અને ઘર્ષણને કાબૂમાં લેવા માટે સ્થળ પર હાજર રહેલી મહિલા પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક વચ્ચે પડીને મહિલાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઝપાઝપી અને પથ્થરમારાની ઘટનામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાપુનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક પગલાં લેતા ઘર્ષણ કરનારી મુખ્ય 3 મહિલાઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરી લીધી હતી. બાપુનગર પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
