તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
એક ભૂલ અને ₹૩.૨૦ કરોડ સાફ! PM આવાસ યોજનાની નકલી APK ખોલતાં જ સિનિયર સિટિઝનના ૩ બેંક એકાઉન્ટ ખાલી
વોટ્સએપ પર આવેલી શંકાસ્પદ લિંક-એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા જ ફોન હેક: ૧૦ દિવસમાં સેંકડો IMPS ટ્રાન્ઝેક્શન કરી સાયબર ઠગોએ રકમ ઉપાડી લીધી

અમદાવાદ: ડીજિટલ યુગમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈની ઘટનાઓ દિન-પ્રતિદિન વધુ ઘાતક બની રહી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય નિવૃત્ત એકાઉન્ટન્ટ દિલીપભાઈ ચીનુભાઈ શાહ સાથે સાયબર માફિયાઓએ ₹૩.૨૦ કરોડની મહાઠગાઈ આચરી હોવાનો સન્સનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વોટ્સએપ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની નકલી APK (Application Package) ફાઈલ મોકલીને ઠગોએ તેમનો આખો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો અને જોતજોતામાં ત્રણ બેંક ખાતાઓમાંથી કરોડો રૂપિયા સફાચટ કરી દીધા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર, ૧૦ સપ્ટેમ્બરના રોજ ફરિયાદીને તેમના એક પરિચિત ગેરેજ સંચાલકના વોટ્સએપ પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ હોવાનો દાવો કરતી એક APK ફાઈલ મળી હતી. ફરિયાદીએ આ ફાઈલ ઓપન કરતાં ફોન પર કાઈં ખૂલ્યું નહીં પરંતુ સાયબર ઠગોના હાથમાં તેમના ફોનનો સંપૂર્ણ એક્સેસ જતો રહ્યો હતો. ફરિયાદી, તેમની પત્ની અને તેમના મિત્ર પ્રવીણચંદ્ર પટેલ - આ ત્રણેયના બેંક ખાતાઓમાં ફરિયાદીનો જ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવાથી હેકર્સે ત્રણેય એકાઉન્ટનો સકંજો મેળવી લીધો હતો.
ચેક બાઉન્સ થતાં મહાઠગાઈનો પર્દાફાશ થયો
આ મહાકૌભાંડની જાણ ૧૯ સપ્ટેમ્બરે થઈ જ્યારે ફરિયાદીનો પુત્ર જૈનમ બેંકમાં ચેક જમા કરાવવા ગયો પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયા હતા. ખાતા તપાસતાં રૂ. ૩.૨૦ કરોડની રકમ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ૧૨ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર વચ્ચે ઠગોએ ₹૧,૦૦૦થી લઈને ₹૯૯,૯૯૯ સુધીના સેંકડો IMPS ટ્રાન્ઝેક્શન્સ અલગ-અલગ બેનિફિશિયરી ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. પરિવારજનોએ તુરંત રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેનિફિશિયરી એકાઉન્ટ્સ અને ડિજિટલ પુરાવા આધારે ઠગોના સગડ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
