News of Thursday, 26th November 2026
રાજ્ય સરકારની યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન થશે
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ‘Transforming Survey Ecosystem Web Portal’ વિકસાવાયું: દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ તૈયાર થવા સુધીની તમામ કામગીરીનું રિયલ-ટાઇમ ઓનલાઇન મોનિટરિંગ શક્ય બનશે:વિવિધ વિભાગોના પ્રતિનિધિ-નોડલ અધિકારીઓ માટે તા. ૨૭ નવેમ્બરના રોજ સચિવાલય ખાતે વર્કશોપ યોજાશે

ગાંધીનગર:‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ એક નક્કર પહેલ હાથ ધરવામાં આવી છે. સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્યથી “Transforming Survey Ecosystem Web Portal” વિકસાવવામાં આવ્યું છે.
સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ વેબ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે.
આ કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવઓ તથા નાયબ સચિવઓને યુઝર આઈડી અને પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. જેઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સમયસર સીધી જ ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી તેમજ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સહિતની તમામ કામગીરી ઓનલાઇન હાથ ધરવામાં આવશે.
મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત રજૂ થાય ત્યારથી શરૂ કરીને તમામ તબક્કાઓ સહિત મૂલ્યાંકન અભ્યાસ આખરી થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરીનું સતત ઓનલાઇન મોનિટરિંગ થઈ શકે તે રીતે આ વેબ પોર્ટલ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
વિવિધ વિભાગોના પ્રતિનિધિ-નોડલ અધિકારીઓ માટે તા. ૨૭ નવેમ્બરના રોજ સચિવાલય ખાતે વર્કશોપ યોજાશે.
આ નવીન પોર્ટલના અમલીકરણથી વહીવટી પ્રક્રિયામાં સમયનો બચાવ થશે અને વિવિધ સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ સચોટ રીતે થઈ શકશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
