તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ગુજરાત આખું ભઠ્ઠીમાં શેકાયું: સુરેન્દ્રનગરમાં પારો 43.5 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો કહેર, આભમાંથી અગનગોળા વરસતા જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હીટવેવની પ્રચંડ અસર: બપોરના સમયે રસ્તાઓ સુમસામ અને રાત્રે પણ ગરમ પવનોના ફૂંકાતા ઉકળાટથી લોકો ત્રાહિમામ, મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની ભીતિ

સુરેન્દ્રનગર : ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા હોય તેમ આખું રાજ્ય અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ ધરખમ વધારો થતા ગરમ પવનો અને અસહ્ય ઉકળાટને કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કાળઝાળ ગરમીના પ્રકોપને જોતા બપોરના સમયે રસ્તાઓ પર કુદરતી સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં 43.2 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. ગાંધીનગર, અમરેલી અને કંડલા જેવા વિસ્તારોમાં પણ 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેતા હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજુ પણ ગરમીની તીવ્રતા વધવાની શક્યતા છે. મે મહિનાના અંત સુધી આ જ પ્રકારે આભમાંથી અગનગોળા વરસતા રહેશે અને લોકોને રાત્રિના સમયે પણ ઠંડકની અપેક્ષા રાખવી મુશ્કેલ બનશે.
વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા જણાવાયું છે. આગામી દિવસોમાં ગરમીના પારામાં હજુ પણ વધઘટ થઈ શકે છે, પરંતુ એકંદરે મે મહિનો સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની આગાહી છે. હાલમાં તો સમગ્ર ગુજરાતમાં લૂ અને ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા લોકો એર કન્ડીશનર અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
