News of Saturday, 20th June 2026
આવતીકાલે યોજાનાર NEET UG ૨૦૨૬ની પરીક્ષા શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ
પ્રશ્નપત્રોના પરિવહનથી લઈ આન્સર શીટ્સના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા : સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ સામે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ રાખશે બાજ નજર

ગાંધીનગર:નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આવતીકાલે દેશભરમાં યોજાનાર NEET UG ૨૦૨૬ની પ્રતિષ્ઠિત પરીક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ પરીક્ષા પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ, પારદર્શક અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુજરાત પોલીસે પૂર્વ તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે, જેથી લાખો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે.
આ મહત્વપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા અંગે લૉ એન્ડ ઓર્ડર આઇજીપી મકરંદ ચૌહાણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પરીક્ષાના સફળ અને સુચારુ આયોજન માટે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને અન્ય સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે સતત જીવંત સંપર્ક અને મજબૂત સંકલનમાં રહીને કામ કરી રહી છે. સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ એસ.ટી. બસ, રેલવે કે પોતાના ખાનગી વાહનોનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે. આ તમામ પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામ જેવી સમસ્યામાં ફસાયા વગર કોઈપણ પ્રકારના અવરોધ વિના પોતાના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ રૂટ વ્યવસ્થા અને ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આઇજીપી મકરંદ ચૌહાણે સુરક્ષા પ્રોટોકોલ અંગે સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, NEET પરીક્ષા અંતર્ગત અત્યંત ગુપ્ત ગણાતા પ્રશ્નપત્રોના સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પેપરનું પદ્ધતિસરનું ડિસ્ટ્રિબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ આન્સર શીટ્સ (ઓ.એમ.આર. શીટ્સ) ના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની શરૂઆતથી અંત સુધીની તમામ પ્રક્રિયા માટે અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા અને લોખંડી પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. જે હેઠળ હથિયારધારી પોલીસ સબંધીત વાહનો સાથે તહેનાત રહેશે.
પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશતા પૂર્વે દરેક પરીક્ષાર્થીઓનું નિયમોનુસાર યોગ્ય રીતે ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક ચેકિંગ થાય અને તેઓ કોઈપણ અડચણ વગર સમયસર પોતાના પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવી લે તે સુનિચ્છિત કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ચોરી, સીસીટીવી સાથે છેડછાડ, ડમી કેન્ડિડેટ્સ (બીજાના નામે પરીક્ષા આપનાર વ્યક્તિ) બેસાડવા કે અન્ય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય અને ગેરકાનૂની પ્રવૃત્તિ ન થાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડને ખાસ તકેદારી રાખવા અને કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
વર્તમાન સમયમાં પેપર લીક કે અન્ય વિષયોને લઈને પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે અન્ય મેસેજિંગ એપ્સ (જેવી કે વોટ્સએપ, ટેલિગ્રામ) પર કોઈ ભ્રામક માહિતી, ખોટા પ્રશ્નપત્રો કે નકારાત્મક અફવાઓ ફેલાવીને વિદ્યાર્થીઓને ગુમરાહ ન કરાય તે માટે રાજ્યની હાઈટેક વિંગ 'સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' દ્વારા ઇન્ટરનેટ પર સઘન અને ચોવીસ કલાક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની બહાર સામાન્ય રીતે વાલીઓ અને અન્ય લોકોની મોટી ભીડભાડ એકત્રિત થતી હોય છે, જેને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને સિટી પોલીસ કમિશનરોને અસરકારક ક્રાઉડ મેનેજમેન્ટ (ભીડ નિયંત્રણ) કરવા અંગે જરૂરી દિશાનિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
