તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
માસુમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર
આણંદના વાસદ પાસે ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ રેલવે ટ્રેક પર ફેંકી હત્યા કરનાર આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત : પોલીસ કસ્ટડીમાંથી વોમિટના બહાને ઉતરી બે પોલીસ જવાનો પર ચપ્પા વડે હુમલો કરી ભાગવા જતાં પોલીસે હાથ ધરેલા ફાયરિંગમાં આરોપી ઘવાયો હતો, જેનું બાદમાં હોસ્પિટલમાં મોત

આણંદ,તા.૨૦: આણંદમાં ૪ વર્ષની નાની દીકરી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર નરાધમ આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આણંદના વાસદ પાસે અપહરણ કરીને બાળકી સાથે કુકર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જવાથી માસુમ બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રેલવે સ્ટેશન ની ટિકિટ બારી પાસેથી બાળકીને ઉઠાવી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બોયાસણ પાસેના પરા વિસ્તારમાંથી સુરેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસ સુરેશ પરમારને પોલીસ વાન માં બેસાડીને વાસદ તરફ લાવવા માટે નીકળી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સુરેશ નશાની હાલતમાં હતો. કંટારિયા-આસોદર વચ્ચે તેણે વોમિટ કરવાનું બહાનું બતાવી પોલીસ વાનમાંથી નીચે ઉતર્યો હતો. ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ આરોપીએ પોલીસ ટીમ પર અચાનક ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનો રાજવીરસિહ અને મહિપાલસિહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ પર હુમલો કરી હાથાપાઈ કર્યા બાદ આરોપીએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકવા માટે વોર્નિગ આપી હતી, તેમ છતાં આરોપી નાસવા જતાં પોલીસે નાછૂટકે તેના પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
ફાયરિંગમાં ઘવાયેલા આરોપી અને ઈજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આરોપી સુરેશ પરમારનું મોત નિપજ્યું હતું, જ્યારે બંને પોલીસ જવાનોની સારવાર ચાલી રહી છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
