<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

કર્મચારીઓ હવે 85 વર્ષની વય સુધી NPS માં રહી શકશે. ₹8 લાખ સુધીનું ફંડ સંપૂર્ણ ઉપાડી શકાશે: ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર

ગુજરાત સરકારે NPS હેઠળ પેન્શન ઉપાડના નવા નિયમો જાહેર કર્યા: ₹8 થી ₹12 લાખમાં ₹6 લાખ એકમુશ્ત ઉપાડી શકાશે. સ્વૈચ્છિક નિવૃત્તિમાં ₹5 લાખ સુધી પૂર્ણ ઉપાડ અને અન્યથા 80% એન્યુઇટી ખરીદવી પડશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ અંગે અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓ માટે પેન્શન ઉપાડ અને એન્યુઇટી પ્લાન  ખરીદવાના નિયમોમાં સુધારો કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવા નિયમોમાં સરકારી ક્ષેત્ર અને બિનસરકારી ક્ષેત્રના સભ્યો માટે ઉપાડની પ્રક્રિયાને અલગ-અલગ વર્ગીકૃત કરવામાં આવી છે.

નવા પરિપત્ર અનુસાર, સરકારી ક્ષેત્રના એનપીએસ સભ્યો માટે નિવૃત્તિ બાદ પણ 85 વર્ષની વય સુધી NPS ખાતામાં યથાવત રહેવાની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. કર્મચારીઓ પોતાની એન્યુઇટી ખરીદી તેમજ એકમુશ્ત રકમ ઉપડવાના વિકલ્પને 85 વર્ષની ઉંમર સુધી મુલતવી રાખી શકશે, જેનાથી તેમને રોકાણ પર લાંબા ગાળાના આર્થિક લાભ મેળવવાની તક મળશે.

નિવૃત્તિ સમયે પેન્શનર્સ માટે સંચિત રકમના ઉપાડ અંગે નીચે મુજબના સ્પષ્ટ વિકલ્પો જાહેર કરાયા છે.

સામાન્ય નિવૃત્તિ: નિવૃત્તિ સમયે જમા થયેલી કુલ પેન્શન રકમના ઓછામાં ઓછા 40 ટકા હિસ્સામાંથી એન્યુઇટી ખરીદવી ફરજિયાત રહેશે.

₹8 લાખ સુધીની રકમ: જો કુલ સંચિત પેન્શન રકમ ₹8 લાખ કે તેથી ઓછી હશે, તો કર્મચારીને સમગ્ર રકમ એકસાથે ઉપાડવાનો વિકલ્પ મળશે.

₹8 લાખથી ₹12 લાખ વચ્ચેની રકમ: આ સ્લેબમાં કર્મચારી મહત્તમ ₹6 લાખ સુધીની એકમુશ્ત રકમ ઉપાડી શકશે. બાકી બચતી રકમમાંથી ઓછામાં ઓછા 6 વર્ષ માટે સમયાંતરે નિયમિત ચુકવણી અથવા એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ મળશે.

જો કોઈ સરકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે અથવા નિયત સમય પહેલાં નોકરીમાંથી બહાર નીકળે, તો તેવા કિસ્સામાં કુલ પેન્શન ફંડના ઓછામાં ઓછા 80 ટકા હિસ્સાની એન્યુઇટી ખરીદવી અનિવાર્ય રહેશે. જોકે, આવા કિસ્સાઓમાં જો કુલ સંચિત પેન્શન રકમ ₹5 લાખ કે તેથી ઓછી હશે, તો કર્મચારીને સમગ્ર રકમ એકમુશ્ત ઉપાડવાની છૂટ મળશે. સરકારના આ વ્યાપક પરિપત્રથી નિવૃત્તિ આયોજન કરતા કર્મચારીઓને મોટી નાણાકીય સ્પષ્ટતા મળી છે.

(11:31 PM IST)