<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

દાહોદના લીમડીમાં પરંપરાગત રથયાત્રા પહેલા હાથણી ' લક્ષ્મી'નું અચાનક મોત

સમગ્ર લીમડી પંથક સહિત રથયાત્રા સમિતિના આયોજકો અને ભાવિક ભક્તોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું

શોભાયાત્રા દાહોદ જિલ્લાના લીમડી ખાતે યોજાનારી પરંપરાગત રથયાત્રામાં સામેલ થવા અને શોભાયાત્રાની શાન વધારવા માટે લાવવામાં આવેલા ગજરાજ (હથણી) 'લક્ષ્મી'નું વહેલી સવારે અગમ્ય કારણોસર અચાનક મોત નીપજ્યું છે. રથયાત્રા શરૂ થાય તે પૂર્વે જ બનેલી આ અમંગળ ઘટનાને પગલે સમગ્ર લીમડી પંથક સહિત રથયાત્રા સમિતિના આયોજકો અને ભાવિક ભક્તોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. 

 

મળતી માહિતી અનુસાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા માટે ખાસ ગજરાજ લક્ષ્મીને લીમડી લાવવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ઉત્સવ અને ભક્તિનો માહોલ હતો, પરંતુ વહેલી સવારે ગજરાજના અચાનક મોતના સમાચાર મળતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જે ગજરાજ રથયાત્રાની શોભા વધારી ભક્તોને આશીર્વાદ આપવાના હતા, તેમના આવા આકસ્મિક નિધનને પગલે ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટનાસ્થળે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગજરાજના મોતના ચોક્કસ કારણો જાણી શકાયા ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પશુચિકિત્સકોની વિશેષ ટીમ દ્વારા મૃતક ગજરાજનું પોસ્ટમોર્ટમ કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાઈ શકે.

 

ગજરાજ લક્ષ્મી પ્રત્યે લીમડીના લોકો અને આયોજકોને અપાર આસ્થા હતી. આ દુઃખદ ઘડીમાં પણ ભક્તોએ તેમની આસ્થાને જીવંત રાખવા એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રથયાત્રા સમિતિ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મૃતક ગજરાજના અંતિમ સંસ્કાર જે પવિત્ર સ્થળે કરવામાં આવશે, તે જ ભૂમિ પર વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું એક ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. આ નિર્ણયથી શોકાતુર ભક્તોને થોડી શાંતિ મળી છે અને ગજરાજ લક્ષ્મીની સ્મૃતિ હંમેશ માટે આ પંથકમાં અમર થઈ જશે. હાલમાં સમગ્ર લીમડી પંથકમાં આ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્ર પણ આગળની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સક્રિય બન્યું છે.

(7:11 PM IST)