<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર : ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું :જાણો સમગ્ર શેડ્યુલ

18 જૂનની મોડી સાંજ સુધીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં જતા 4 નવા સદસ્યોના ચહેરા સ્પષ્ટ થશે :સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૦ જૂન સુધીમાં સત્તાવાર રીતે સંપન્ન કરી લેવાશે

ગુજરાતમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની 4 મહત્ત્વની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આ જાહેરનામું બહાર પડતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને તમામ પક્ષોએ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

જાહેરનામા અનુસાર, આ ચૂંટણી પ્રક્રિયા જૂન મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે:

ઉમેદવારી પત્ર (ફોર્મ) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન

ફોર્મની ચકાસણી કરવાની તારીખ: 9 જૂન

નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન

મતદાન અને મતગણતરીની તારીખ: 18 જૂન

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની આખરી તારીખ: 20 જૂન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 18 જૂનના રોજ સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી પણ કરી દેવામાં આવશે. એટલે કે 18 જૂનની મોડી સાંજ સુધીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં જતા 4 નવા સદસ્યોના ચહેરા સ્પષ્ટ થઈ જશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૦ જૂન સુધીમાં સત્તાવાર રીતે સંપન્ન કરી લેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના સંખ્યાબળના આધારે આ 4 બેઠકો પર કયા પક્ષનું પલ્લું ભારે રહેશે અને કયા દિગ્ગજ નેતાઓને દિલ્હી મોકલવામાં આવશે, તેના પર હવે સૌની નજર ટકેલી છે. આગામી દિવસોમાં ભાજપ અને વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે.

(7:31 PM IST)