News of Tuesday, 14th April 2026
વિકાસથી વંચિત ડાંગના છેવાડાના નિશાણા ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત : પ્રાથમિક સુવિધાના અભાવે ગામજનોએ મતદાન ન કરવાનો લીધો નિર્ણય
રસ્તા, પાણી, વીજળી અને આરોગ્ય સેવા જેવી પાયાની સુવિધાઓ ન મળતા આક્રોશ : ગ્રામજનોએ એકસાથે ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી : તંત્ર સામે કરી રજૂઆત

ડાંગ તા.૧૪:વિકાસથી વંચિત રહેલા ડાંગ જિલ્લાના છેવાડાના નિશાણા ગામે ગ્રામજનોએ આગામી ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવથી કંટાળેલા ગામલોકોએ એકસૂરમાં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પાયાની સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે.
ગામમાં રસ્તા, પીવાનું પાણી, વીજળી અને આરોગ્ય સેવા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસામાં ગામ સંપર્કવિહોણું બની જાય છે. કાચા અને કપરા રસ્તાના કારણે બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. પીવાના પાણી માટે પણ ગામની મહિલાઓને દૂર સુધી ચાલીને જવું પડે છે.
ગામજનોએ એકત્ર થઈને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગામના આગેવાનોએ જણાવ્યું કે, "દરેક ચૂંટણી વખતે નેતાઓ વાયદા કરીને જાય છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ કોઈ ડોકિયું કરવા આવતું નથી. અમે વિકાસથી વંચિત છીએ. અમારા ગામમાં રસ્તો નથી, પાણીની સુવિધા નથી, હોસ્પિટલ નથી. આવી સ્થિતિમાં અમે મત શા માટે આપીએ?"
ગામમાં એકત્ર થયેલી મહિલાઓ, પુરુષો અને વડીલોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર તાત્કાલિક ધોરણે પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કામગીરી શરૂ નહીં કરે તો સમગ્ર ગામ ચૂંટણી પ્રક્રિયાથી અળગું રહેશે. હાલ નિશાણા ગામનો આ નિર્ણય જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
