<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

બનાસકાંઠા જિલ્લામાં જામ્યો ચૂંટણીનો માહોલ : 8 તાલુકા પંચાયતોની 150 બેઠકો માટે ભાજપ /કોંગ્રેસના 149-149 ઉમેદવારો આમને-સામને

ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક રાજકીય ઉલટફેર બાદ હવે કુલ 232 ઉમેદવારો મેદાનમાં: અનેક પક્ષોના ડમી ઉમેદવારો અને નારાજ અપક્ષોએ પીછેહઠ કરી

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક રાજકીય ઉલટફેર બાદ હવે કુલ 232 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમના ભાવિનો ફેંસલો આગામી 26 એપ્રિલના રોજ મતદાન દ્વારા થશે. રાજ્ય ચૂંટણી પંચના શિડ્યુલ મુજબ 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેમાં અનેક પક્ષોના ડમી ઉમેદવારો અને નારાજ અપક્ષોએ પીછેહઠ કરી છે. આ પ્રક્રિયાના અંતે થરાદ અને ભાભરમાં ભારતીય જનતા પાર્ટીએ માનસિક રીતે સરસાઈ મેળવી છે, કારણ કે અહીંની 2 બેઠકો પર કોઈ હરીફ ન રહેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

 

જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો પર રસાકસી જોવા મળી રહી છે. ભાજપે તમામ 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે 29 બેઠકો પર જંગ છેડ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ 13 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહી છે, જ્યારે બસપા અને અપક્ષ મળીને કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે સરહદી વિસ્તારોમાં જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યા છે, ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ મતદારોને કોના તરફ દોરે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્તરે પણ સ્થિતિ અત્યંત ઉત્તેજનાભરી છે. 8 તાલુકા પંચાયતોની 150 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 149-149 ઉમેદવારો આમને-સામને છે. ભાભર તાલુકા પંચાયતની મીઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બીજી તરફ, થરાદ નગરપાલિકાના વોર્ડ 7ની 28 બેઠકો માટે 63 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જેમાં વોર્ડ નંબર 6ની 1 બેઠક પર ભાજપ બિનહરીફ રહ્યું છે. ભાભર નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર પણ ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.

 

સત્તાધારી ભાજપ પોતાના સંગઠન અને બિનહરીફ બેઠકોના જોરે મજબૂત સ્થિતિમાં જણાય છે, પરંતુ કોંગ્રેસે પણ પોતાના ગઢ ગણાતા વિસ્તારોમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી 26 એપ્રિલે યોજાનાર મતદાન બાદ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આદર્શ આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

 

 

(7:57 PM IST)