<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

NEET ની પરીક્ષાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે :જગદીશભાઈ વિશ્વકર્મા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેપર લીકના કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે કડકમાં કડક સજા મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે જાહેર કર્યો છે :જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય, ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
   પત્રકાર પરિષદને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો એક ખતરનાક ટ્રેન્ડ કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. તેમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રાજકીય લાભ લેવાનો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પેપર લીક જેવી ગંભીર ઘટનાને રાજકારણનો વિષય બનાવવાને બદલે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ, પરંતુ વિપક્ષ સંસદમાં સાર્થક ચર્ચા કરવાને બદલે યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, પેપર લીક કોઈ એક રાજ્ય, પક્ષ કે સરકારનો નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગંભીર વિષય છે. આવી ઘટનાને રાજકીય રંગ આપવાના બદલે રાષ્ટ્રહિતમાં સૌએ સાથે મળીને ઉકેલ શોધવાનો અભિગમ અપનાવવો જોઈએ. કેન્દ્ર સરકાર માટે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવું, દોષિતોને કડક સજા અપાવવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવું આ ત્રણ બાબતો સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નીટ પરીક્ષા સંબંધિત ઘટનામાં કેન્દ્ર સરકારે ઝડપી અને જવાબદાર કાર્યવાહી કરી હતી. શિક્ષણ મંત્રાલયે ફરિયાદ નોંધાવી, તપાસ સીબીઆઈને સોંપી, વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સરકારે અદાલત સમક્ષ દૈનિક સુનાવણીની માંગણી કરીને દોષિતોને ઝડપથી સજા થાય તે માટે પણ પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને પુનઃ પરીક્ષા યોજાઈ, નિર્ધારિત સમયમર્યાદામાં પરીક્ષા પૂર્ણ થઈ અને સમયસર પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળ થયા, જેમાં વિદ્યાર્થીનીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું. NEET ની પરીક્ષાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે જ જાહેર કર્યું છે કે, પેપર લીકના કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે કડકમાં કડક સજા મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયો અને પગલાંની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.

 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે લોકશાહી અને બંધારણની મર્યાદા લાંઘીને પ્રધાનમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરીને રાજકીય નાટક સર્જવાનો પ્રયાસ કર્યો તે અંત્યંત નિંદનીય છે. સંસદમાં નિયમ 193 હેઠળ NEET મુદ્દે ચર્ચા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. વિપક્ષ સંસદમાં ચર્ચાથી દૂર રહી દેશભરમાં અરાજકતા અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પેપર લીક મુદ્દે રાજકારણ કરી રહી છે, પરંતુ તેના શાસનકાળમાં તથા કોંગ્રેસ અથવા તેના સહયોગી પક્ષોની સરકારો ધરાવતા અનેક રાજ્યોમાં પણ પેપર લીક અને ભરતી કૌભાંડો સામે આવ્યા હતા. જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ અને કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ બની હતી.

 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પેપર લીક જેવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. સરકારે સંવેદનશીલતા અને જવાબદારી સાથે સંવાદનો માર્ગ અપનાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ વિષય અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના ભ્રામક નેરેટિવ અને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા.
 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે વિપક્ષમાં વિદ્યાર્થીઓના હિત કરતાં આંદોલનનો રાજકીય શ્રેય મેળવવાની સ્પર્ધા વધુ દેખાઈ રહી છે. દેશનો યુવા અને વિદ્યાર્થી વર્ગ જાગૃત છે અને તે સત્યને ચોક્કસપણે જાણે છે. વિદ્યાર્થીઓના વિષયમાં ભાજપા સરકારનો અભિગમ રાજકારણનો નહીં પરંતુ Reforms અને Transparency નો છે. અંતમાં વિશ્વકર્માએ દેશ અને ગુજરાતના યુવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું છે. ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતોના કલ્યાણ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં મૂકાઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કાર્યો કે દેશના યુવાનો ભ્રામક રાજકારણ અને અરાજકતાની રાજનીતિથી દૂર રહી રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સતત વિકાસની યાત્રામાં અવરોધ ઉભા કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સર્વાંગી વિકાસ માટે દિવસ-રાત અવિરત કાર્ય કરી રહ્યા છે. ગુજરાત ભાજપ કોંગ્રેસના ભ્રામક પ્રચાર, અરાજક રાજકારણ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના દરેક પ્રયાસની સખત શબ્દોમાં નિંદા કરે છે

(6:54 PM IST)