તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
શિક્ષણને મળી ગતિ: વર્ષો બાદ થવા આશ્રમ સુધી એસટી બસ સેવા શરૂ થતા વિધાર્થીઓમાં ખુશી
વર્ષોની રાહનો અંત, થવા આશ્રમ સુધી દોડી એસટી બસ, ૧૫૦૦ જેવા આદિવાસી વિદ્યાર્થીઓને રાહત: આદિવાસી વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ: થવા આશ્રમ સુધી નિયમિત બસ સેવા શરૂ

( ભરત શાહ દ્વારા )નર્મદા :ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવા સુધી વર્ષો બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જી.એસ.આર.ટી.સી.) દ્વારા નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી છે.
થવા આશ્રમ ખાતે અંદાજે 3,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આશરે 1,500 જેટલા વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવર માટે બસ સુવિધાની સૌથી વધુ જરૂરિયાત હતી. વર્ષોથી જાહેર બસ સેવા ન હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને ખાનગી વાહનો અથવા અન્ય મોંઘા વિકલ્પોનો સહારો લેવો પડતો હતો. વરસાદી ઋતુમાં તો મુશ્કેલીઓ અનેકગણી વધી જતી હતી.
હવે જી.એસ.આર.ટી.સી. દ્વારા થવા આશ્રમ સુધી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે. વાલીઓ માટે પણ આ સેવા મોટી રાહત સમાન બની છે. શિક્ષકો અને કર્મચારીઓને પણ નિયમિત અવરજવરમાં સરળતા મળશે.
નવી શરૂ થયેલી આ બસ સેવા દરરોજ સવારે મોવીથી વાયા કુંડ, ગાલીબા, બિલાઠા, ફૂલવાડી અને બેડા કંપની થઈને થવા આશ્રમ ખાતે સવારે અંદાજે 10:00 વાગ્યે પહોંચશે. ત્યારબાદ એ જ બસ સાંજે અંદાજે 4:00 વાગ્યે થવા આશ્રમથી પરત ફરશે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક લોકોને નિયમિત અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે.
સ્થાનિક ગ્રામજનો, સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ રાજ્ય સરકાર તથા જી.એસ.આર.ટી.સી. તંત્રનો આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ બસ સેવા માત્ર પરિવહનની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય સરકારી સેવાઓ સુધી પહોંચને પણ વધુ સરળ બનાવશે.
શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, "થવા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં બસ સેવા શરૂ થવી એ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે એક ઐતિહાસિક અને આવકારદાયક પગલું છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ રૂટ અને બસોની સંખ્યા વધારવામાં આવશે તેવી અમને આશા છે."
સ્થાનિક લોકોનું માનવું છે કે વર્ષોથી કરવામાં આવતી માંગણીને હવે આખરે સ્વીકાર મળ્યો છે. આ બસ સેવા થવા અને આસપાસના ગામોના લોકો માટે વિકાસની નવી દિશા સાબિત થશે અને આદિવાસી વિસ્તારના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
