<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

આર્થિક ગુનાઓ દેશની નાણાકીય સ્‍થિતિ પર સીધો પ્રહાર કરે છે, જામીન નહીં

૨૩.૦૮ કરોડના બોગસ ITC કૌભાંડમાં આરોપી સુરેશચંદ્ર શાહની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃતા.૧૬:  જીએસટી ઈવેઝન (કર ચોરી) અને અંદાજે રૂ. ૨૩.૦૮ કરોડના બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) મેળવવાના ચર્ચિત અને ગંભીર કેસમાં એડિશનલ સેશન્‍સ જજ જે.આઈ. પટેલની કોર્ટે આરોપી સુરેશચંદ્ર મૂલચંદ શાહની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે સ્‍પષ્ટપણે અવલોકન કર્યું હતું કે આર્થિક ગુનાઓ દેશની નાણાકીય સ્‍થિતિ પર સીધો પ્રહાર કરે છે અને તે સામાન્‍ય અપરાધો કરતાં તદ્દન અલગ શ્રેણીમાં આવે છે. આરોપી સામે પ્રાથમિક લ્લષ્ટિએ પૂરતા પુરાવા ઉપલબ્‍ધ છે. આ કેસમાં હજુ પણ ત્રાહિત પક્ષકારો અને નાણાકીય વ્‍યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી ચાલુ છે. જો આવા ગંભીર ગુનાના આરોપીને મુક્‍ત કરવામાં આવે તો તપાસ અને પુરાવાઓ પર વિપરીત અસર પડી શકે છે.ત્‍યારે જામીન મુક્‍ત ન કરી શકાય.

આ સમગ્ર કેસ જૂનાગઢ રાજ્‍ય વેરા સહાયક કમિશનર સમક્ષ નોંધાયેલો છે. આ મામલે આરોપી સામે સેન્‍ટ્રલ/ગુજરાત જીએસટી એક્‍ટ, ૨૦૧૭ ની કલમ ૧૩૨(૧)(બ) અને (ક) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપી સુરેશચંદ્ર શાહની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્‍યો હતો. જ્‍યાંથી આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપી પક્ષની દલીલો દરમિયાન આરોપીના એડવોકેટે  કોર્ટ સમક્ષ બચાવપક્ષ તરીકે રજૂઆત કરી હતી કે આરોપી મેટલ સ્‍ક્રેપનો કાયદેસરનો વેપાર કરે છે. તેમના તમામ નાણાકીય વ્‍યવહારો બેંકિગ ચેનલ મારફતે થયા છે અને વેલિડ ટેક્‍સ ઇન્‍વોઇસ દ્વારા જ વ્‍યાપાર હાથ ધરવામાં આવ્‍યો છે. જેથી આરોપી નિર્દોષ હોવાનો દાવો કરી તેમને જામીન મુક્‍ત કરવા વિનંતી કરવામાં આવી હતી.

બીજી તરફ, જીએસટીના ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ જામીન અરજીનો સખ્‍ત વિરોધ નોંધાવ્‍યો હતો. તેમણે કોર્ટને જણાવ્‍યું હતું કે આરોપી ‘મેસર્સ માંડવરા ટ્રેડિગ કંપની'ના પ્રોપ્રાઇટર છે. તેમણે અસ્‍તિત્‍વમાં ન હોય તેવી (બોગસ) પેઢીઓ તેમજ રદ થયેલા જીએસટી નંબરવાળા સપ્‍લાયર્સ પાસેથી કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવીને દેશની આર્થિક સંરચનાને મોટું નુકસાન પહોંચાડ્‍યું છે. રૂ. ૨૩.૦૮ કરોડના આ મોટા કર ચોરીના કૌભાંડમાં આરોપીની સીધી સંડોવણી હોવાથી જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે

(9:51 AM IST)