તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગુજરાત વિધાનસભામાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક’ રજૂ : વેપાર-ધંધા અને જીવન જીવવાની સરળતા માટે અનેક અધિનિયમોમાં સુધારાનો નિર્ણય - ડૉ. જયરામભાઈ ગામીત
રાજ્યમાં નિર્દિષ્ટ વિસ્તારો અને રસ્તાઓ પર રાત્રિના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સિવાય દુકાનો ખુલ્લી રાખી શકાશે : વિનિયમન મુક્તિ તબક્કા-૨ હેઠળ વિવિધ ૫ કાયદાઓમાં એકીકૃત સુધારા કરાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં વેપાર-ધંધા કરવાની સરળતા પ્રોત્સાહિત કરવા અને જીવન જીવવાની સરળતા વધારવા અર્થે વિશ્વાસ આધારિત શાસનને વધુ સુદૃઢ કરવાના ઉદ્દેશથી ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત દ્વારા રજૂ કરાયેલા આ વિધેયક હેઠળ રાજ્યના વિવિધ મહત્વના અધિનિયમોમાં વ્યાપક સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિધેયક અનુસાર જણાવાયેલા વિસ્તારો સિવાયના અન્ય કોઈપણ વિસ્તારો, જિલ્લાઓ કે અંદરના રસ્તે આવેલી દુકાનો અને સંસ્થાઓને રાત્રિના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સિવાયના સમયમાં ખુલ્લી રાખી શકાશે. નિયમનકારી વાતાવરણ અને આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવી રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ જાહેર સેવાઓના કાર્યક્ષમ વિતરણને સુનિશ્ચિત કરવા આ સુધારા અનિવાર્ય ગણાવાયા છે. જૂના કાયદાઓ અને બિનજરૂરી અનુપાલનનો બોજ ઘટાડી કાર્યક્ષમતા અને પારદર્શકતા લાવવી એ આ વિધેયકનો મુખ્ય હેતુ છે.
નોંધનીય છે કે, સન ૨૦૨૦થી ૨૦થી વધુ રાજ્યના વિભાગોમાં ૨૯૦૦થી વધુ અનુપાલનની જરૂરિયાતોને સરળ કે રદ કરવામાં આવી છે. ગુજરાત-એ અનુપાલનનો ઘટાડો અને વિનિયમન મુક્તિ તબક્કા-૧ (૨૦૨૫) હેઠળ ‘સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય’માં ૪થો ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ તબક્કા-૨ હેઠળ ભારત સરકારે ૨૩ અગ્રતાપ્રાપ્ત અને ૫ વૈકલ્પિક વિસ્તારો સહિત ૨૮ અગ્રતાપ્રાપ્ત વિસ્તારો નિર્ધારિત કર્યા છે, જેને લક્ષમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ અધિનિયમોમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
સુધારાના આ બીજા તબક્કા હેઠળ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અધિનિયમ ૧૯૬૭, ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ ૨૦૧૩, ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ ૨૦૧૩, ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ ૨૦૧૯ તથા ગુજરાત સૂક્ષ્મ (Micro), લઘુ તથા મધ્યમ ઉદ્યોગસાહસો (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા બાબત) અધિનિયમ ૨૦૧૯ની વિશિષ્ટ જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે.
આ તમામ કાયદાઓમાં અલગ-અલગ સુધારા વિધેયકો લાવવાને બદલે ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક, ૨૦૨૬’ હેઠળ એકીકૃત સુધારા રજૂ કરી નાગરિકો અને વ્યવસાયો પરનો બોજ ઘટાડી કાર્યક્ષમ શાસનને પ્રોત્સાહન આપવાનું ધારેલું છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
