News of Sunday, 4th October 2026
ખેડાના ગુતાલમાં વહેલી સવારે પોલીસની મેગા રેડ: 100 થી વધુ પોલીસકર્મીઓ ત્રાટક્યા, આખું ગામ કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું
દેશી દારૂના અડ્ડાઓ અને બુટલેગરો સામે જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી; અગાઉની જૂથ અથડામણ અને પથ્થરમારા બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું

ખેડા: ખેડા જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂના વેચાણ અને બુટલેગરોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ખેડા જિલ્લા પોલીસે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે ખેડાના ગુતાલ ગામમાં પોલીસના કાફલાએ એકસાથે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
જૂથ અથડામણ અને પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં
મળતી માહિતી મુજબ, ગુતાલ ગામમાં દારૂના વેચાણ અંગેની બાતમીને લઈને બે દિવસ અગાઉ જૂથ અથડામણ અને પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના અંગે વડતાલ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ બુટલેગરોને નાથવા માટે ખેડા જિલ્લા પોલીસે ગુતાલ ગામને નિશાન બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું.
સવારે 5:30 વાગ્યે ત્રાટકી 10 થી વધુ પોલીસ ટીમો
DySP બાજપાઈના સીધા નેતૃત્વ હેઠળ સવારે આશરે 5:30 વાગ્યે જ પોલીસની 10 જેટલી અલગ-અલગ ટીમો ગુતાલ ગામમાં ત્રાટકી હતી. આ ઓપરેશનમાં Local Crime Branch (LCB), સાયબર સેલ, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, નડિયાદ રૂરલ અને વડતાલ પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
100 પોલીસકર્મીઓ, 21 વાહનોનો કાફલો અને ગામનું કોર્ડન
પોલીસના આ મેગા ઓપરેશનમાં આશરે 100 જેટલા પોલીસ અધિકારીઓ તથા જવાનો જોડાયા હતા. પોલીસે 6 સરકારી અને 15 ખાનગી વાહનો સહિત કુલ 21 વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશીને સમગ્ર ગામને કોર્ડન કરી લીધું હતું. બુટલેગરોના રહેણાંક વિસ્તારો તેમજ શંકાસ્પદ અડ્ડાઓ પર એકસાથે દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હજારો લિટર વોશ, દેશી દારૂ અને નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત
સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક બુટલેગરોના ઠેકાણાઓ પરથી મોટો દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવા માટે વપરાતો હજારો લિટર વોશ મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર આ રેડ દરમિયાન આશરે 12 જેટલા કેસ નોંધાયા હોવાની શક્યતા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન મળી આવેલા કેટલાક શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનોને પણ પોલીસે ડિટેઈન કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
