તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 3rd June 2026
દેડીયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના વિવાદમાં
ઈ-રિક્ષા યોજનામાં કરોડોનું કૌભાંડ? : માનવ અધિકાર સુરક્ષા પરિષદની ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત: ગ્રામ પંચાયતોમાં કાગળ પર દોડતી ઈ-રિક્ષા, જમીન પરથી ગાયબ: સરકારી નાણાંના ગેરવપરાશના ગંભીર આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડીયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના ભારે વિવાદમાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી સેન્ટ્રલ કમિટીના પ્રમુખ સર્જન એસ.વસાવાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), પ્રાંત અધિકારી તેમજ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અનેક ગામોમાં લાખો રૂપિયાના બિલો અને ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવા છતાં ઈ-રિક્ષાનો વાસ્તવિક ઉપયોગ થતો નથી. કેટલાક સ્થળોએ તો ઈ -રિક્ષા એક દિવસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.
આક્ષેપો મુજબ યોજનામાં કમિશનખોરી, ખોટા બિલો, ભ્રષ્ટાચાર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ્ય વિકાસ અને સ્વચ્છતા માટે આવેલી યોજના કેટલાક લોકો માટે “કમાણીનું સાધન” બની ગઈ હોવાના સવાલો ઉઠી રહ્યા છે.
સર્જન વસાવાએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે તેના પર લોકોની નજર છે.
આ મુદ્દે દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ ને પૂછતા તેમણે જણાવ્યું કે હાલમાં કોઈ ઈ. રિક્ષાની ખરીદી થઈ નથી અને અગાઉની ખરીદી જિલ્લા કક્ષાએથી કરેલી હોય એ મામલે હું કઈ કહી ના શકું
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
