<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની ૩૭,૨૧૧ શાળાઓમાં કુલ ૧૬.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું: પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણી

‘બેક ટુ સ્કૂલ સર્વે’ હેઠળ ૭૧,૨૨૯ જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો: કન્યા કેળવણીને વેગ આપવા ૧૩,૦૮૪ જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ

ગાંધીનગર :પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે મીડિયાને ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સફળતા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ ત્રણ દિવસીય અભિયાન દરમિયાન રાજ્યની ૩૭,૨૧૧ શાળાઓમાં કુલ ૧૬.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું છે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું કે, ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડીનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તેવી વડનગરની બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.  
મંત્રીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, આ પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં ૧.૯૩ લાખથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનના શ્રીગણેશ કર્યા. આ ઉપરાંત બાલવાટિકામાં ૪.૩૪ લાખથી વધુ બાળકો, ધોરણ-૧માં ૧.૦૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ, ધોરણ-૯માં ૫.૯૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ તથા ધોરણ-૧૧માં ૩.૦૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત ‘બેક ટુ સ્કૂલ સર્વે’ હેઠળ ૭૧,૨૨૯ જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે.
મંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૭૬૬ જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, કન્યા કેળવણીને વેગ આપવા માટે રાજ્યની ૧૩,૦૮૪ જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરાઈ છે.

 વાઘાણીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સદસ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવોએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન દાતાઓ દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ રૂ. ૨૮.૯૭ કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને આર્થિક બળ પૂરું પાડવામાં આવ્યું છે

(8:09 PM IST)