તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
આનંદનગરના TCF શો-રૃમમાંથી ૧૪.૪૨ લાખનો ડુપ્લીકેટ મુદ્દામાલ ઝડપાયો
બ્રાન્ડના નામે ચાલતું હતું રેકેટ?:આ નકલી માલ ક્યાંથી સપ્લાય થતો હતો તે દિશામાં પણ હવે કનેક્શન તપાસવામાં આવી રહ્યા છે

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારના હબ ગણાતા આનંદનગરમાંથી હાઈ-પ્રોફાઇલ બ્રાન્ડેડ કપડાંના ડુપ્લીકેટ કૌભાંડનો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે જે બ્રાન્ડના શર્ટ કે ટી-શર્ટ શો-રૃમમાં હજારો રૃપિયામાં મળતા હોય છે, તેવી વિશ્વપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના લોગો લગાવીને સસ્તા અને નકલી કપડાં ઊંચા ભાવે વેચવાનું એક મોટું નેટવર્ક આનંદનગર વિસ્તારમાં ધમધમી રહ્યું હોવાની ચોક્કસ બાતમી એન્ફોર્સમેન્ટ ટીમને મળી હતી. જે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે આ રેડ ઓપરેશન પાર પાડ્યું છે.
આનંદનગરમાં આવેલા 'TCF' એટલે કે 'ધ ક્લોસેટ ફેશન' નામના શો-રૃમમાં ઇન્ટરનેશનલ કંપનીઓની નકલી પ્રોડક્ટ્સનું મોટું કલેક્શન ગ્રાહકોને અસલી કહીને પધરાવવામાં આવતું હતું. કંપનીઓની સત્તાવાર એન્ફોર્સમેન્ટ વિંગ અને સ્થાનિક પોલીસે સંયુક્ત પ્લાનિંગ કરીને આ શો-રૃમ પર ઓચિંતી રેડ પાડી હતી. રેડ દરમિયાન શો-રૃમના કાઉન્ટર અને ગોડાઉનમાંથી 'પોલો રાલ્ફલોરેન' બોસ' 'ગેન્ટ' 'લેકોસ્ટે' અને 'બર્બેરી'જેવી વૈશ્વિક બ્રાન્ડના ડુપ્લીકેટ લોગો વાળા કપડાંનો મોટો જથ્થો લાઈવ પકડાયો હતો.
પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર શર્ટ કે ટી-શર્ટ જ નહીં, પરંતુ નકલી બ્રાન્ડેડ પેન્ટ, મોંઘા ગોગલ્સ (ચશ્મા), લેધર પર્સ, મોજા અને પ્રીમિયમ ટોપીઓ સહિત કુલ રૃપિયા ૧૪.૪૨ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સીલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક પાછળ શો-રૃમના સંચાલકો આનંદ મહેશભાઈ ચંચલાની અને નરેશભાઈ શંકરભાઈ ચંચલાણી મુખ્ય સૂત્રધાર છે. પોલીસે કોપીરાઈટ એક્ટ અને આર્થિક છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી માલ ક્યાંથી સપ્લાય થતો હતો તે દિશામાં પણ હવે કનેક્શન તપાસવામાં આવી રહ્યા છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
