News of Sunday, 24th May 2026
નવસારીના વિરાવળ બ્રિજ પર લોખંડની સેફ્ટી એંગલ ડમ્પર ચાલકે તોડી નાખી: એંગલ તૂટી કાર પર પડી:ડમ્પર પણ વચ્ચે ફસાઈ ગયું
મોટા વાહનોને પુલ પર પ્રવેશતા રોકવા માટે ત્યાં લોખંડની મજબૂત સેફ્ટી એંગલ લગાવાઈ :નિયમોને ઘોળીને પી જનારા ટ્રક અને ડમ્પર ચાલકોની બેદરકારીને કારણે આ ભારે ભરખમ લોખંડની એંગલ આજે પાંચમી વખત તૂટી પડી

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી પર આવેલા ઐતિહાસિક વિરાવળ બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બ્રિજ જર્જરિત હોવાના કારણે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું પાલન કરાવવા અને મોટા વાહનોને પુલ પર પ્રવેશતા રોકવા માટે ત્યાં લોખંડની મજબૂત સેફ્ટી એંગલ લગાવવામાં આવી છે. નિયમોને ઘોળીને પી જનારા ટ્રક અને ડમ્પર ચાલકોની બેદરકારીને કારણે આ ભારે ભરખમ લોખંડની એંગલ આજે પાંચમી વખત તૂટી પડી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વિરાવળ બ્રિજ પરથી મોટા વાહનો પસાર ન થઈ શકે તેવી સ્પષ્ટ ચેતવણી હોવા છતાં એક ડમ્પર ચાલકે પોતાના વાહનને બ્રિજ પરથી જબરદસ્તી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ડમ્પરની ઊંચાઈ વધુ હોવાથી તે બ્રિજની એંગલ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડનું આખું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું અને ડમ્પર પોતે પણ તે તૂટેલી એંગલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયું હતું. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પણ આ તૂટેલી એંગલની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે કારને મોટું નુકસાન થયું હતું, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
આ ઘટનાને કારણે વિરાવળ બ્રિજની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે નોકરિયાતો અને સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વારંવાર પ્રતિબંધિત હોવા છતાં ટ્રક ચાલકો દ્વારા બ્રિજ પરથી પસાર થવાના આવા જોખમી પ્રયાસો થતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
