તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ડમી પેઢી બનાવી ₹161 કરોડના વ્યવહાર :ભાવનગર બેંક હેકિંગ કેસમાં મોટો ખુલાસો: દેશભરમાં 1,117 સાયબર ફ્રોડ કેસો સાથે જોડાયા તાર
અમદાવાદના બે અને સુરતના બે આરોપીની ધરપકડ :આ નેટવર્ક સાથે સંકળાયેલા કુલ ₹802 કરોડના ફ્રોડની વિગતો: આરોપીઓએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના સર્વરમાં ડિજિટલ સેંધ મારી હતી અને ₹7.34 કરોડથી વધુનું ફેક બેલેન્સ ઊભું કર્યું

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક હેકિંગ કેસની તપાસ દરમિયાન એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, 'ચામુંડા કોમ્યુનિકેશન' નામની ડમી પેઢીની તપાસમાં ₹161 કરોડના વ્યવહારો કર્યા હતા
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના સર્વરમાં ડિજિટલ સેંધ મારી હતી અને ₹7.34 કરોડથી વધુનું ફેક બેલેન્સ ઊભું કર્યું હતું. ત્યારબાદ આ રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવી હતી. સાયબર સેલની તપાસમાં દેશભરમાં નોંધાયેલા 1,117 સાયબર ફ્રોડ કેસો સાથે આ નેટવર્કની સીધી કડી મળી છે. NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ નેટવર્ક સાથે સંકળાયેલા કુલ ₹802 કરોડના ફ્રોડની વિગતો પણ સામે આવી છે. જેના આધારે તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના વસ્ત્રાલનો વિશાલ સુરેશભાઈ ડોડીયા, સુરતના લિંબાયતનો મોહમ્મદ ખાલીક ગુલામ હુસેન, સુરતના ઉધનાનો સોયબ ગુલાબનબી રાણા અને અમદાવાદના ગોમતીપુરનો અફઝલ પીર મોહમ્મદ મન્સૂરીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ભૂમિકા અલગ-અલગ હતી, જેમાં ડમી પેઢી બનાવવી, બેંક ખાતાં ઓપરેટ કરવા અને ગેરકાયદે નાણાંની હેરફેર કરવાનું કામ સામેલ હતું.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ ગરીબ અને અજાણ લોકોના નામે અથવા બોગસ દસ્તાવેજોના આધારે ડમી પેઢીઓ રજીસ્ટર કરાવતા હતા. ત્યારબાદ કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવવામાં આવતા. દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવાયેલા નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા કરાવીને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ભાવનગર બેંક હેકિંગ કેસમાં તો આરોપીઓએ સીધું બેંકના સર્વરમાં ઘૂસણખોરી કરીને કરોડો રૂપિયાનું ફેક બેલેન્સ ઊભું કરી દીધું હતું.
એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેથી આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
