News of Wednesday, 29th July 2026
વિરમગામના નાની કિશોલ ગામ છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના કારણે ચારેય બાજુથી પાણીમાં ગરકાવ
થુલેટા ડેમ તૂટવાના કારણે નળકાંઠા વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું છે અને આસપાસના વિસ્તારો જળમગ્ન બન્યા

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિરમગામ તાલુકાનું નાની કિશોલ ગામ છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના કારણે ચારેય બાજુથી પાણીમાં ગરકાવ થયેલું છે.
ગામમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક નાગરિકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપરદળ તરફ જતો મુખ્ય રસ્તો ભારે પાણીના પ્રવાહ અને ધોવાણને કારણે તૂટી ગયો છે, જેના કારણે ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક લગભગ કપાઈ ગયો છે.
રસ્તો તૂટી જવાના કારણે સૌથી મોટી મુશ્કેલી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પડી રહી છે. નાની કિશોલ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળાએ જવા માટે હવે આશરે 20 કિલોમીટર જેટલું લાંબુ અંતર ફરીને જવાની ફરજ પડી રહી છે.
નાના બાળકો અને યુવાનો માટે આ લાંબો અને મુશ્કેલ પ્રવાસ રોજિંદી મોટી સમસ્યા બની ગયો છે. આ સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ થુલેટાનો ડેમ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. થુલેટા ડેમ તૂટવાના કારણે નળકાંઠા વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું છે અને આસપાસના વિસ્તારો જળમગ્ન બન્યા છે.
પાણીનો ભરાવો થવાને કારણે ખેતરોમાં પણ નુકસાનની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હવે સ્થિતિ વધુ ગંભીર બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને નાળાની જગ્યાએ મજબૂત 'ડીપ' (Dip) બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કાયમી સમસ્યામાંથી રાહત મળી શકે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકલાડીલી માંગ ઉઠી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
