તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
સુરતમાં નશાબાજ કારચાલકનો આતંક: દોઢ કિલોમીટર સુધી પાંચ વાહનોને અડફેટે લેતા રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને ધોઈ નાખ્યો
ખરવરનગરથી ઉધના ત્રણ રસ્તા સુધી સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ; પોલીસે આરોપીની ધરપકડ કરી સઘન તપાસ શરૂ કરી

સુરત : સુરત શહેરના ખરવરનગરથી ઉધના ત્રણ રસ્તા વચ્ચેના આશરે દોઢ કિલોમીટરના વિસ્તારમાં રવિવારે દારૂના નશામાં ચકચુર થયેલા ૩૦ વર્ષીય નીરજ તિવારી નામના કારચાલકે પૂરપાટ ઝડપે બેફામ હંકારીને રિક્ષા, ઇકો, બે બાઇક અને મોપેડ સહિત કુલ પાંચ વાહનોને અડફેટે લેતા એક મહિલા સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ભોગ બનનાર વાહનોની સાથે અકસ્માત સર્જનાર કારના આગળના ભાગનો પણ સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે રસ્તા પર ભારે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત જ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
ઘટનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક લોકો અને રાહદારીઓનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેમણે કારને ચારેય બાજુથી ઘેરીને નશાબાજ ચાલકને બહાર ખેંચી કાઢીને સબક શીખવ્યો હતો અને કારના આગળના કાચ પણ તોડી નાખ્યા હતા, જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપી ચાલકને ટોળાના સકંજામાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે, ત્યારે પોલીસે ઈજાગ્રસ્તોની સ્વાસ્થ્ય સ્થિતિ પર નજર રાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે અને શહેરમાં વધી રહેલા આવા નશાબાજ ડ્રાઇવરો સામે ટ્રાફિક પોલીસે ચેકિંગ ઝુંબેશ વધુ તેજ કરી દીધી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
