તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રૂ.૨૧૫૩ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો
ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે :ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પોલીસની સાથે સામાજિક સંસ્થાઓ અને નાગરિકો પણ ભાગીદાર બને: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે તૈયાર કરાયેલી 'NDPS હેન્ડબુક'નું વિમોચન:રાજ્ય સરકારની 'રિવૉર્ડ પૉલિસી' હેઠળ ડ્રગ્સ સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૨૭૮ પોલીસ જવાનોનું ₹૫૯.૪૨ લાખના ઇનામ સાથે સન્માન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના 'નશા-મુક્ત ગુજરાત'ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે 'એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના 'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી આ તમામ નાર્કોટિક્સ જથ્થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્યો હતો. આ જ સ્થળેથી નાયબ મુખ્યમંત્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ જથ્થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યના ૨૪ એકમો દ્વારા કુલ ૮૬૭ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂ.૨૧૫૩ કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો (૧૩,૨૪૯.૧૨૭ કિલોગ્રામ ડ્રગ્સ અને ૫,૭૧,૦૨૮ બોટલો) નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ભરૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સી.આઈ.ડી. ક્રાઇમ અને એ.ટી.એસની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી.
ત્યારબાદ GACL કંપની (દહેજ) ખાતે એન.ડી.પી.એસ. (NDPS) હેન્ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદ્રઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે.
આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા 'ડ્રગ મુક્ત ગુજરાત' જાગૃતિ વીડિયો અને વ્યસનમુક્ત થયેલા પીડિતોના પ્રતિભાવો દર્શાવતી લઘુફિલ્મ તથા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમાજનું સૌથી મોટું દૂષણ ડ્રગ્સ છે. આ દૂષણ સામે ગુજરાત પોલીસ જે પ્રકારે જંગ લડી રહી છે તે ખરેખર વંદનીય છે. દરિયાના તેજ મોજાંઓ વચ્ચે, ભારત-પાકિસ્તાનની સરહદો પર અને અન્ય રાજ્યોમાં ફેલાયેલી ગુનેગારોની 'મોડસ ઓપરેન્ડી' તોડવામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. છેલ્લા દોઢ વર્ષથી આ અભિયાનને એક જંગની જેમ લડીને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં કન્વિક્શન રેશિયો ૬૫% ની આસપાસ છે, જે કાયદાકીય મજબૂતાઈ દર્શાવે છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કોઈ પણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
પોલીસના માનવીય અભિગમની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ વેચનારાઓ પકડાય ત્યારે તેમની પાસેથી મળતી માહિતીના આધારે આ દૂષણમાં ફસાયેલા યુવાનો અને તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી તેમને સાચી દિશા આપવાનું સરાહનીય કાર્ય પણ પોલીસ કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને સામાજિક સંસ્થાઓને અપીલ કરતા કહ્યું કે, પોલીસની કડક કાર્યવાહીની સાથે સાથે જ્યારે સમગ્ર સમાજ અને નાગરિકો આ લડતમાં જોડાશે, ત્યારે જ 'ડ્રગ્સ મુક્ત ગુજરાત'નો સંકલ્પ સંપૂર્ણપણે સાકાર થશે.
રાજ્ય સરકારની ' ડ્રગ્સ રિવૉર્ડ પૉલિસી' હેઠળ, જુદા જુદા ૨૧ મોટા કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૨૭૮ પોલીસ જવાનોને ₹૫૯.૪૨ લાખની ઇનામી રકમ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો સર્વ અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી. કે. સ્વામી, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, CID ક્રાઇમના ડો. કે. એલ. રાવ, વડોદરા રેન્જ IG સંદીપ સિંહ, CID ક્રાઇમના IGP ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, DDO યોગેશ કાપસે સહિત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર અને GACL કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
