News of Sunday, 25th October 2026
વાપીમાં રૂ.12.67 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: વલસાડ SOG અને ANW નો સપાટો, 2.5 ટન ગાંજા યુક્ત ટેબ્લેટ સાથે 2 ઝડપાયા
વાપીના છીરી અને દાદરામાં દરોડા: 387 કિલો વાપીથી અને 2147 કિલો દાદરાથી મળ્યો જથ્થો, કાનપુર અને ઘાટકોપરના બે આરોપી વોન્ટેડ

વાપી તા.25 : ગુજરાતમાં નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરતા વલસાડ જિલ્લા પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાપી અને દાદરામાંથી રૂ.12.67 કરોડની કિંમતની 2,535 કિલો ગાંજા યુક્ત નશીલી ટેબ્લેટ જપ્ત કરી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે બે ફરાર છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, પહેલો દરોડો વાપીના છીરી વિસ્તારમાં રઝા ગલી, અહેમદનગરમાં રહેતા મોહમ્મદ અમીન મોહમ્મદ બસુ ખાન (ઉ.46) ના ઘરે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી 387.75 કિલો ટેબ્લેટ મળી આવી હતી, જેની કિંમત રૂ.1.93 કરોડ આંકવામાં આવી છે. મૂળ ઝારખંડના ચતરા જિલ્લાના કુકુરમંડ ગામનો ખાન વાપીમાં રહેતો હતો.
પૂછપરછ દરમિયાન સપ્લાય ચેઇનનો તાર દાદરામાં રહેતા પ્રદીપ ઉર્ફે મન્નુ વર્મા (ઉ.28) સુધી પહોંચ્યો. વર્મા દાદરા અને નગર હવેલીના દાદરામાં શ્રી સાઈ કોમ્પ્લેક્સમાં બિઝનેસ ચલાવે છે. SOG એ તિધરા રોડ પર લવાછા બોર્ડર નજીક તેની દુકાન પર દરોડો પાડી 2,147.35 કિલોનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત રૂ.10.73 કરોડ છે.
આ ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન અને વીજળીના બિલ પણ જપ્ત કર્યા છે. કુલ મુદ્દામાલ રૂ.12,67,65,000 નો થાય છે.
પોલીસે આ નેટવર્કના અન્ય બે આરોપી તરીકે કાનપુરના અનુરાગ ગુપ્તા અને મુંબઈ ઘાટકોપરના સલમાન ઈકબાલ સિદ્દીકીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશનના SI એસ.આર. સુસલાદે કરી રહ્યા છે.
બીજી તરફ અમુક રિપોર્ટ મુજબ, ડુંગરા પોલીસે લેકવ્યુ રેસીડેન્સીમાંથી 243 કિલો ગાંજાનો બીજો જથ્થો પણ પકડ્યો છે, જેમાં ઓડિશાના કાર્તિક ઉર્ફે પપ્પુ બિસ્વાલની ધરપકડ કરાઈ છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
