<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ઝાલોદમાં એમ્બ્યુલન્સ દ્વારા થતી નશાની હેરાફેરીનો પર્દાફાશ:579 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો જપ્ત : એક આરોપીની ધરપકડ

રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા આ માદક પદાર્થના જથ્થાને દાહોદ પોલીસે ઝડપી લીધો

દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા અને મોટા માદક પદાર્થના નેટવર્કનો પર્દાફાશ કરીને લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. સામાન્ય રીતે દર્દીઓનો જીવ બચાવવા માટે વપરાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થઈ રહ્યો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા આ માદક પદાર્થના જથ્થાને દાહોદ પોલીસે ઝડપી લીધો છે.

દાહોદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝાલોદ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકીને તેની તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સની અંદર દર્દીની જગ્યાએ માદક પદાર્થોનો મોટો જથ્થો છુપાવેલો હતો.

અભિયાન દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સમાંથી કુલ 579 કિલોગ્રામ પોષડોડા (અફીણના ડોડા)નો જથ્થો જપ્ત કર્યો છે. આ આંતરરાજ્ય નેટવર્ક રાજસ્થાનથી બોર્ડર પાર કરાવીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નશીલા પદાર્થો પહોંચાડવાનું કામ કરતું હતું. ઇમરજન્સી વાહનનો કવર તરીકે ઉપયોગ કરીને પોલીસને ગુમરાહ કરવાનો આ કાસોડી પ્રયાસ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા 579 કિલો પોષડોડાની આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બજારમાં અંદાજિત કિંમત 86 લાખ રૂપિયાથી વધુ થાય છે. આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ પકડાતા દારૂ અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દાહોદ પોલીસે ઘટનાસ્થળેથી એમ્બ્યુલન્સ જપ્ત કરી છે અને સાથે જોડાયેલા આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(7:55 PM IST)