<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગાંધી જયંતીથી 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત રાજ્યભરમાં 'નશાબંધી સપ્તાહ'ની ઉજવણીનો પ્રારંભ : ૨૩ હજારથી વધુ નાગરિકો સહભાગી થયા

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા શાળાઓ, કોલેજો અને ગ્રામીણ વિસ્તારોમાં રેલી, વોકેથોન અને વિષયલક્ષી સ્પર્ધાઓ જેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત ૨ જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વ્યાપક જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન હેઠળ રાજ્યભરની શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, છાત્રાલયો, ગ્રામીણ વિસ્તારો, જાહેર સ્થળો તેમજ જિલ્લા જેલોમાં યુવાનો અને નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના હેતુથી અનેક રચનાત્મક કાર્યક્રમો હાથ ધરાયા હતા. આ જનજાગૃતિ અભિયાનમાં રાજ્યભરમાંથી આશરે ૨૩,૦૭૫ જેટલા નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

'નશાબંધી સપ્તાહ'ની ઉજવણી દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઉદ્ઘાટન સમારોહ, ગાંધી વંદના, 'નશો નાશનું મૂળ' શીર્ષક હેઠળ પ્રેરણાદાયી નાટકો, વોકેથોન, સાયકલ રેલી તેમજ નશામુક્ત ભારત અભિયાનની વિશાળ રેલીઓ યોજાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને યુવાવર્ગ માટે નશાબંધી વિષયક નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન, નશાબંધી પ્રતિજ્ઞા વિધિ અને પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સ્થાનિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો તેમજ 'મારો પરિવાર - નશામુક્ત પરિવાર'નો દ્રઢ સંકલ્પ પણ લીધો હતો.

(4:35 PM IST)