<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

જુનાગઢથી આણંદ જતી એસટી બસમાં નશાખોરે યુવતીની કરી છેડતીઃ ભારે હોબાળો

યુવતીની માતા તથા કંડકટર સાથે ઝપાઝપીઃ રસ્‍તા વચ્‍ચે બસ રોકાવીઃ મુસાફરો હેરાનઃ આરોપીની અટકાયત

જુનાગઢઃ  જૂનાગઢ-આણંદ રૂટની ST બસમાં એક નશાખોર શખ્સે યુવતીની છેડતી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. તેણે યુવતીની માતા અને કંડક્ટર સાથે ઝપાઝપી કરી બસ રોકાવી મુસાફરોને હેરાન કર્યા હતા. જેતપુર સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસને પોલીસ સ્ટેશન લાવી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બસ જ્યારે તેના નિયત રૂટ પર હતી ત્યારે એક નશામાં ધૂત શખ્સે મુસાફરોની શાંતિ ભંગ કરી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. આ ઘટનાને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બસમાં સવાર એક નશાખોર મુસાફરે એક યુવતીની છેડતી કરી હતી. નશામાં ભાન ભૂલેલા આ શખ્સે યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું અને ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવતીની માતાએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે તે શખ્સે તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ હંગામાને કારણે ચાલુ બસમાં હોબાળો મચી ગયો હતો.

બસના કંડક્ટર જ્યારે મામલો થાળે પાડવા અને યુવતીની સુરક્ષા માટે વચ્ચે આવ્યા, ત્યારે નશાખોર શખ્સ વધુ ઉશ્કેરાયો હતો. તેણે કંડક્ટર સાથે પણ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આ શખ્સે રસ્તા વચ્ચે બસ રોકાવી દીધી હતી, જેના કારણે લાંબા રૂટના મુસાફરો કલાકો સુધી હેરાન પરેશાન થયા હતા. બસની અંદરનું વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

સ્થિતિ ગંભીર જણાતા કંડક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. કંડક્ટરની સૂચનાના આધારે જેતપુર સિટી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મુસાફરોથી ભરેલી આ ST બસને જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી.

પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલીસે નશામાં ધૂત શખ્સની અટકાયત કરી છે. પોલીસે યુવતી અને કંડક્ટરના નિવેદનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જાહેર પરિવહનમાં આ રીતે નશો કરીને મુસાફરોને હેરાન કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

(3:16 PM IST)