News of Friday, 19th June 2026
બગોદરા-ધંધુકા રોડ પ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી :એક વ્યક્તિનું મોત :એક બાળક ગંભીર
અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો :ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૫ વર્ષના માસૂમ બાળકને તાકીદે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઇવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બગોદરા-ધંધુકા રોડ પર આવેલા ધિંગડા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવવાને કારણે કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને જોતજોતામાં હવામાં ફંગોળાઈને ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને આસપાસના સ્થાનિક લોકો અવાજ સાંભળીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતની આ કમનસીબ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક માત્ર ૫ વર્ષનો માસૂમ બાળક આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવાને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ બગોદરા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ૧૦૮ની ટીમ દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૫ વર્ષના માસૂમ બાળકને પ્રાથમિક સારવાર આપીને અત્યંત તાકીદે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, પોલીસે મૃતકનાદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
