News of Friday, 27th November 2026
ગુજરાતમાં ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ : કુલ 4,48,77,288 મતદારો નોંધાયા : 8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો
27 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે : 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરે બૂથ લેવલ ઓફિસર્સ મતદાન મથકો પર હાજર રહેશે : 18 જાન્યુઆરી 2027ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર 01.01.2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision - SSR) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી (Integrated Draft Electoral Roll) 27 નવેમ્બર 2026ના રોજ રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિભાગોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મુસદ્દા મતદાર યાદીમાં રાજ્યમાં કુલ 2,30,90,067 પુરૂષ મતદારો, 2,17,86,150 સ્ત્રી મતદારો તથા 1,071 થર્ડ જેન્ડર મળી કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે.
17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી-2026માં નોંધાયેલા 4,40,30,725 મતદારો (2,27,17,366 પુરૂષ, 2,13,12,329 સ્ત્રી અને 1,030 થર્ડ જેન્ડર)ની સરખામણીમાં મુસદ્દા મતદાર યાદી-2027માં 8,46,563 મતદારોનો એટલે કે 1.92 ટકાનો ચોખ્ખો વધારો નોંધાયો છે. આ સમયગાળામાં નામ ઉમેરવા માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-6 / 6ક તથા ફોર્મ-8 (સ્થળાંતર)ની કુલ સંખ્યા 12,01,184 રહી છે, જેમાં 5,24,610 પુરૂષ, 6,76,524 સ્ત્રી અને 50 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. જ્યારે નામ કમી કરવા માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-7 તથા ફોર્મ-8 (સ્થળાંતર)ની કુલ સંખ્યા 3,54,621 છે, જેમાં 1,51,716 પુરૂષ, 2,02,902 સ્ત્રી અને 3 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને મુસદ્દા મતદાર યાદીની બે નકલો પૂરી પાડવામાં આવી છે, જેમાં એક હાર્ડ કોપી અને એક મતદારોના ફોટોગ્રાફ વગરની પીડીએફ સોફ્ટ કોપીનો સમાવેશ થાય છે. આ યાદી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://ceo.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઉપરાંત મતદારો સંબંધિત મતદાર નોંધણી અધિકારી (ERO)ની કચેરીઓ અથવા નિયત મતદાન મથકોની મુલાકાત લઈને પણ પોતાનું નામ અને વિગતો ચકાસી શકે છે.
હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો 27 નવેમ્બર 2026થી 26 ડિસેમ્બર 2026 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. નાગરિકો જરૂરિયાત મુજબ વિવિધ ફોર્મ રજૂ કરી શકશે, જેમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ-6, બિનનિવાસી ભારતીય (Overseas Elector)નું નામ દાખલ કરવા માટે ફોર્મ-6ક, સૂચિત નામ દાખલ કરવા સામે વાંધો લેવા અથવા હયાત યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 તેમજ સરનામુ બદલવા (વિધાનસભા ક્ષેત્રની અંદર કે બહાર), વિગતોમાં સુધારો કરવા, ડુપ્લિકેટ EPIC મેળવવા અથવા દિવ્યાંગજન (PwD) તરીકે નોંધણી કરવા માટે ફોર્મ-8નો ઉપયોગ કરી શકાશે.
01.01.2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકો અને ખાસ કરીને નવયુવાનોને મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત ચૂંટણી પંચની સૂચના મુજબ વર્ષ 2027ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે 01.04.2027, 01.07.2027 અને 01.10.2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર સંભવિત યુવા મતદારો પણ એડવાન્સ અરજી કરી શકશે. નાગરિકો પાસેથી અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો (Special Campaign Days) દરમિયાન 29 નવેમ્બર 2026, 6 ડિસેમ્બર 2026 અને 13 ડિસેમ્બર 2026ના રોજ સવારે 10:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) મતદાન મથકો પર ઉપસ્થિત રહેશે. મતદારો વોટર્સ સર્વિસ પોર્ટલ (https://voters.eci.gov.in) અથવા ECINET મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકે છે.
મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા જાહેર કરાયેલા કોઈપણ હુકમથી અસહમત નાગરિક લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 24(ક) હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટર) સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે. પ્રથમ અપીલ સત્તાધિકારીના નિર્ણય સામેની બીજી અપીલ ઉક્ત અધિનિયમની કલમ 24(ખ) હેઠળ અને મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 27 અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) સમક્ષ કરી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા યુવા અને પ્રથમ વખતના મતદારો, ત્રીજી જાતિ (Transgender)ના નાગરિકો, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ અન્ય વંચિત વર્ગોને આ સુધારણા ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરાઈ છે અને આખરી મતદાર યાદી 18 જાન્યુઆરી 2027ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
