<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉ. યોગેનના આપઘાતથી ભારે હોબાળો: ABVPએ ડીન ઓફિસ બહાર રામધૂન બોલાવી તટસ્થ તપાસની કરી માંગ!

"રેગિંગ કે માનસિક ત્રાસ તો જવાબદાર નથી ને?": ડીન ઓફિસ બંધ કરીને જતા રહેતા વિદ્યાર્થીઓનો ભારે વિરોધ અને આવેદનપત્ર આપવા ધામા

સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે અભ્યાસ કરતા ૩૦ વર્ષીય ડૉ. યોગેન પ્રજાપતિએ હાથની નસ કાપીને આપઘાત કરી લેતા સમગ્ર તબીબી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી કાર્યકરોએ નવી સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસ બહાર રામધૂન બોલાવીને ઘટના અંગે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી હતી.

 

ABVP સુરતના મંત્રી શુભમસિંઘે આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ડૉ. યોગેનના આપઘાત પાછળ સીનિયર્સ દ્વારા કરવામાં આવતું રેગિંગ કે અન્ય કોઈ પ્રકારે બનાવવામાં આવતું માનસિક દબાણ જવાબદાર છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, એક મહિના પહેલાં પણ હોસ્પિટલમાં રેગિંગના ત્રાસથી એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, ત્યારે આ કિસ્સામાં પણ રેગિંગનો ખૂણો તપાસવો જરૂરી બન્યો છે. આ મામલે ડીનને આવેદનપત્ર આપી દોષિતો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

ડીન ઓફિસ બંધ કરીને નીકળી જતાં કાર્યકરોમાં ભારે રોષ

 

વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે ડીન પોતાની ઓફિસ બંધ કરીને નીકળી ગયા હતા. "આજે શનિવાર છે" તેવું બહાનું બતાવવા સામે વિરોધ વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, ડીન માટે શનિવારની રજા મહત્વની છે કે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કિંમતી જીવ? ABVPના કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ડીન સત્તાવાર રીતે આવેદનપત્ર સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી નહીં આપે ત્યાં સુધી તેમનો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

 

(8:32 PM IST)