તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
અમદાવાદીઓના વેકેશનનો આનંદ બમણો: ઉનાળામાં હવે સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ધમધમશે, AMC એ લીધો મહત્વનો નિર્ણય'
૨૭ એપ્રિલથી ૮ જૂન સુધી વીકલી હોલિડે' રદ; કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય અને અટલ એક્સપ્રેસ સહિતના તમામ આકર્ષણો હવે અઠવાડિયાના સાતેય દિવસ માણી શકાશે

અમદાવાદ: અમદાવાદના રમત-ગમતના શોખીનો અને ખાસ કરીને ઉનાળાના વેકેશનની આતુરતાથી રાહ જોતા પરિવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ, શહેરનું આઇકોનિક પ્રવાસન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ હવે ઉનાળુ વેકેશન દરમિયાન સોમવારે પણ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. સામાન્ય રીતે જાળવણી અને સાફ-સફાઈના હેતુથી દર સોમવારે લેકફ્રન્ટ બંધ રહેતું હોય છે, પરંતુ વેકેશનમાં પ્રવાસીઓના ભારે ઘસારાને પહોંચી વળવા આ ફેરફાર કરાયો છે.
કોર્પોરેશનની જાહેરાત મુજબ, ૨૭ એપ્રિલથી શરૂ કરીને ૮ જૂન સુધીના તમામ સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાર રીતે મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ નિર્ણયથી વેકેશન દરમિયાન બાળકો અને મોટેરાઓ અઠવાડિયાના તમામ સાતેય દિવસ મનોરંજનનો લ્હાવો લઈ શકશે. ખાસ કરીને જે પરિવારો કે નોકરિયાતોને સોમવારે રજા હોય છે, તેમના માટે હવે કાંકરિયા લેકફ્રન્ટ ફરવા માટેનું ઉત્તમ ડેસ્ટિનેશન બની રહેશે.
કિડ્સ સિટીથી લઈને નોક્ટર્નલ ઝૂ સુધી બધું જ રહેશે ચાલુ:
વેકેશનના આ ખાસ સમયગાળા દરમિયાન કાંકરિયાના તમામ મુખ્ય આકર્ષણો સોમવારે પણ કાર્યરત રહેશે, જેમાં:
• બાળકો માટે મનપસંદ 'કિડ્સ સિટી' અને સાહસિક પ્રવૃત્તિઓવાળી 'બાલવાટિકા'.
• વિશ્વવિખ્યાત પ્રાણી સંગ્રહાલય અને રાત્રિના જીવોને જોવાનો અનુભવ કરાવતું 'નોક્ટર્નલ ઝૂ'.
• કુદરતના સાનિધ્ય માટે 'બટરફ્લાય પાર્ક', લેકફ્રન્ટની શાન ગણાતી 'નગીનાવાડી' અને મ્યુઝિકલ ફાઉન્ટેન.
• બાળકોની પ્રિય ટોય ટ્રેન 'અટલ એક્સપ્રેસ' અને વિવિધ એડવેન્ચર રાઈડ્સ.
ભીડનું થશે વિભાજન, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા:
દર વર્ષે વેકેશન દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ પર લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે ટિકિટ બારી અને રાઈડ્સમાં લાંબી લાઈનો જોવા મળતી હોય છે. હવે સોમવારની રજા રદ થવાથી મુલાકાતીઓનું વિભાજન થશે, જેથી અફરાતફરી ઘટશે અને લોકોને વધુ સારી સુવિધા મળી રહેશે. અમદાવાદીઓ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓ માટે પણ આ એક મોટી ભેટ સાબિત થશે. તો તૈયાર થઈ જાઓ, આ વેકેશનમાં હવે અઠવાડિયાના કોઈપણ દિવસે તમે 'કાંકરિયા કાર્નિવલ' જેવો માહોલ માણી શકશો.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
