<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સરકારી નોકરી છૂટી તોય ચિંતા નહીં! GPSC એ લોન્ચ કર્યું ઐતિહાસિક 'અવસર' મોડ્યુલ; ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા ૧૮,૦૦૦થી વધુ હોનહાર ઉમેદવારોને હવે પ્રાઇવેટ અને કોર્પોરેટ સેક્ટરમાં સીધી નોકરી મળશે!

પ્રિલિમ અને મેઇન્સ પાસ કરનારા પ્રતિભાશાળી યુવાનો માટે રોજગારીનો સુવર્ણ માર્ગ; ઓપન માર્કેટની દિગ્ગજ કંપનીઓ અને સરકારી PSUs સીધો સંપર્ક કરશે, ડેટા સેક્યુરિટી માટે OTP સિસ્ટમ ફરજિયાત

ગાંધીનગર : ગુજરાતના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઘણીવાર એવું બને છે કે ઉમેદવારો જીપીએસસી (GPSC) ની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી જાય છે, પરંતુ અંતિમ મેરિટ લિસ્ટમાં માત્ર એક-બે માર્કસ માટે રહી જાય છે. આવા અત્યંત પ્રતિભાશાળી અને મહેનતુ ઉમેદવારોની યોગ્યતાનો દેશના વિકાસમાં ઉપયોગ કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ એક અનોખી અને ક્રાંતિકારી પહેલ કરી છે. આયોગ દ્વારા ખાસ 'અવસર' (Avsar) મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતિમ પસંદગી યાદીમાં સ્થાન ન મેળવી શકેલા ઉમેદવારોને જાહેર ક્ષેત્ર (PSUs) અને ખાનગી કંપનીઓમાં ઉચ્ચ પગારવાળી વૈકલ્પિક નોકરીઓ સાથે જોડશે.

ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે પાટનગર ગાંધીનગરમાં આ ઐતિહાસિક પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી છે.

તમારી યોગ્યતા બેકાર નહીં જાય: ઇન્ટરવ્યુ સુધી પહોંચવું એ જ મોટું પ્રમાણપત્ર

આ યોજનાની વિગતો આપતા સચિવ સુધીર પટેલે જણાવ્યું હતું કે, જે ઉમેદવારો ભરતી પ્રક્રિયાના અંતિમ ઇન્ટરવ્યુ સ્ટેજ સુધી પહોંચ્યા છે, તેઓએ પહેલેથી જ લાખો ઉમેદવારો વચ્ચે પોતાની જાતને સાબિત કરી દીધી છે. તેઓ પ્રિલિમ અને મેઇન્સ જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા હોવાથી તેમની પાસે ઉચ્ચ વહીવટી અને તકનીકી જ્ઞાન ઉપલબ્ધ છે. ભલે તેઓ સરકારી ભરતીના અંતિમ પરિણામમાં પાછળ રહી ગયા હોય અથવા વેઇટિંગ લિસ્ટમાં હોય, પણ તેમની આ પ્રતિભા વેડફાઈ ન જાય તે માટે GPSC એક અસરકારક 'મધ્યસ્થી' (બ્રિજ) તરીકે કામ કરશે.

આ મોડ્યુલ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs), ખાનગી લિમિટેડ કંપનીઓ, મોટી સહકારી સંસ્થાઓ અને અન્ય માન્ય મલ્ટીનેશનલ કોર્પોરેશન્સને આ ક્વોલિફાઇડ ઉમેદવારોનો ડેટાબેઝ પૂરો પાડવામાં આવશે, જેથી આ સંસ્થાઓને તૈયાર, મહેનતુ અને હોનહાર કર્મચારીઓ મળી રહે.

છેલ્લા ૫ વર્ષના ૧૮,૦૦૦ ઉમેદવારોને થશે સીધો ફાયદો: જાણો કેવી રીતે મળશે 'અવસર'

આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પોતાની પૂર્વ સંમતિ (Consent) હોવી અનિવાર્ય છે. આ માટે આયોગે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી છે:

·         ક્યાં અરજી કરવી?: ઉમેદવારોએ GPSC OJAS ની સત્તાવાર વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન સંમતિ આપવાની રહેશે.

·         ડેટા સિક્યુરિટી: ઉમેદવારની સુરક્ષા માટે આખી પ્રક્રિયા OTP (વન ટાઈમ પાસવર્ડ) આધારિત વેરિફિકેશન સિસ્ટમ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે.

·         કોણ લાયક છે?: છેલ્લા ૫ વર્ષ દરમિયાન (૧ જુલાઈ ૨૦૨૬ પહેલાં પૂર્ણ થયેલી) ૪૧૫ થી વધુ વર્ગ-૧ (Class-I) અને વર્ગ-૨ (Class-II) ની ભરતીઓમાં ઇન્ટરવ્યુ આપનારા અસફળ કે વેટિંગ લિસ્ટના ૧૮,૦૦૦ થી વધુ ઉમેદવારો અત્યારે જ લોગ-ઇન કરીને પોતાની સંમતિ આપી શકે છે. ભવિષ્યની પરીક્ષાઓના ઉમેદવારો ફોર્મ ભરતી વખતે જ આ વિકલ્પ પસંદ કરી શકશે.

ડેટા લીક થવાની કોઈ ચિંતા નહીં, માત્ર નોકરી માટે જ થશે ઉપયોગ

આયોગે ઉમેદવારોની ગોપનીયતા અને ડેટા સુરક્ષા અંગે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. GPSC ઉમેદવારનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને શૈક્ષણિક લાયકાત જેવી જરૂરી માહિતી જ લાયક સંસ્થાઓ સાથે શેર કરશે. આ વિગતોને વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડરમાં અલગ-અલગ વર્ગીકૃત કરવામાં આવી છે.

ડેટા મેળવનારી કંપનીઓએ કડક લેખિત બાંયધરી આપવી પડશે કે તેઓ આ માહિતીનો ઉપયોગ માત્ર અને માત્ર રોજગાર આપવા માટે જ કરશે, અને કોઈ તૃતીય પક્ષ (Third Party) ને આ ડેટા વેચી કે શેર કરી શકશે નહીં. ડેટાની સલામતીની સંપૂર્ણ જવાબદારી જે-તે કંપનીની રહેશે.

કમિશન માત્ર માધ્યમ રહેશે, ખાનગી ભરતી પોતાની પદ્ધતિથી થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, GPSC અહીં માત્ર એક કનેક્ટિંગ પ્લેટફોર્મ અથવા 'માધ્યમ' તરીકે કામ કરી રહ્યું છે. વિગતો મેળવ્યા બાદ ખાનગી કંપનીઓ કે સરકારી વિભાગો પોતાની જરૂરિયાત મુજબ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરશે અને પોતાના નિયમો અનુસાર ઇન્ટરવ્યુ કે ટેસ્ટ લઈને નોકરી પર રાખશે. આ નોકરીઓના પગાર ધોરણ, સેવાની શરતો અથવા ભવિષ્યમાં થનારા કોઈ પણ કાનૂની વિવાદો સાથે GPSC ને કોઈ સત્તાવાર લેવાદેવા કે કાનૂની જવાબદારી રહેશે નહીં. ગુજરાતના સુશિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકોના નવા દ્વાર ખોલતો આ એક ક્રાંતિકારી પ્રયોગ સાબિત થશે.

(7:28 PM IST)