<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી જેવો માહોલ : મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, મે માસના પગાર સાથે રોકડમાં મળશે લાભ

નાણા વિભાગ દ્વારા 7મા પગારપંચના કર્મચારીઓ માટે 01 જાન્યુઆરી 2026થી 60% મોંઘવારી ભથ્થું મંજૂર : જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર માસના એરિયર્સની ચૂકવણી જૂનમાં થતા પગાર સાથે એકસાથે કરાશ

ગાંધીનગર: ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ સચિવ આઇ. ડી. ચૌધરીની સહીથી પ્રસિદ્ધ થયેલા ઠરાવ અનુસાર, 7મા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી તેને 58% થી વધારીને 60% કરવામાં આવ્યું છે. ભારત સરકારના 22 એપ્રિલ 2026ના ઓફિસ મેમોરેન્ડમ બાદ રાજ્ય સરકારે પુખ્ત વિચારણાના અંતે આ વધારાને 01 જાન્યુઆરી 2026ની અસરથી અમલી બનાવવાનું ઠરાવ્યું છે.
**મે માસના પગારમાં જ થશે સીધો વધારો**
સરકારના આ આદેશ અનુસાર, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલો આ વધારો મે-2026ના પગારની સાથે જ કરવાનો રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરી-2026 થી એપ્રિલ-2026 સુધીના ચાર મહિનાના તફાવતની રકમ એટલે કે એરિયર્સની ચૂકવણી જૂન માસમાં ચૂકવાતા મે માસના પગાર સાથે એક હપ્તામાં રોકડમાં કરવાની રહેશે. પેન્શનરોને પણ હંગામી વધારાના તફાવતની રકમ આ જ પદ્ધતિથી ચૂકવવામાં આવશે. ગણતરી દરમિયાન 50 પૈસા કે તેથી વધુ રકમને આખા રૂપિયામાં ગણવાની રહેશે, જ્યારે 50 પૈસાથી ઓછી રકમ ધ્યાને લેવાશે નહીં.
**કયા કર્મચારીઓને મળશે આ લાભ?**
આ નવા હુકમોનો લાભ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓના કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, અખિલ ભારતીય સેવા (A.I.S.) ના અધિકારીઓ, પ્રાથમિક શિક્ષકો અને પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓને પણ આ પગાર વધારાનો લાભ મળવાપાત્ર થશે. જોકે, આ લાભ માત્ર એવા જ કર્મચારીઓને મળશે જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણાનો લાભ મળેલો છે.
નાણા વિભાગની વિવિધ કચેરીઓને જાણ
આ ઠરાવની નકલ રાજ્યપાલના સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને તમામ મંત્રીઓના અંગત સચિવોને રવાના કરવામાં આવી છે. ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર, લોકાયુક્ત કચેરી, જાહેર સેવા આયોગ (GPSC), ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્યના તમામ એકાઉન્ટન્ટ જનરલને પણ જાણ કરવામાં આવી છે જેથી ચૂકવણીની પ્રક્રિયામાં વિલંબ ન થાય. તમામ જીલ્લા તિજોરી અધિકારીઓને પણ મે માસના પગાર બીલ સાથે આ વધારો જોડી દેવાની સૂચના અપાઈ છે.

(8:56 PM IST)