તા. ૨ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
છૂટાછેડા અને બીજા લગ્ન બાદ ઘરેલુ હિંસાની ફરિયાદ કાયદાનો સદંતર દુરુપયોગ હાઇકોર્ટ
સંજોગો બદલાતા પિતાએ બાળકની કસ્ટડી માટે પિટિશન કરતા પૂર્વ પત્નીએ મામલાને આડે પાટે ચઢાવવા માટે ઘરેલું હિંસાની ફરિયાદ કરી : તમામ કાનૂની વિવાદના ઉકેલ બાદ પત્નીએ કરેલી ઘરેલુ હિંસાની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

અમદાવાદ,તા.૧૯: મહિલાઓ દ્વારા કાયદા અને કાનૂની પ્રક્રિયાના થતા દુરુપયોગ સમાન એકચોંકાવનારો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિ-પત્ની વચ્ચે તમામ કાનૂની વિવાદોનો ઉકેલ આવી ગયા બાદ પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિસાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા, પત્નીએ બીજા લગ્ન પણ કરી લીધા હતા અને બાળકની કસ્ટડીનો મામલો પણ પૂર્ણ થઈ ગયો હતો. તેમ છતાંય પતિએ સંજોગો અને પરિસ્થિતિ બદલાતા કાનૂની ઉપાય તરીકે બાળકની કસ્ટડી માટેની પિટિશન કરતા પત્નીએ એ મામલાને આડે પાટે ચઢાવવા ઘરેલુ હિસાની ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે સુરતની કોર્ટ સમક્ષ પેન્ડિંગ આ ઘરેલુ હિસાની ફરિયાદને રદબાતલ કરી છે અને એવું અવલોકન કર્યું છે કે છૂટાછેડા લીધા બાદ અને પુનઃલગ્ન કર્યા પછી ઘરેલુ હિસાના કાયદા હેઠળ અરજી કરવી એ કાનૂની પ્રક્રિયાનો સદંતર દુરુપયોગ છે.
હાઈકોર્ટના જાસ્ટિસ પી.એમ. રાવલે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, ઘરેલું હિસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ' (D.V. Act) હેઠળની અરજી માટે સામાન્ય રીતે કોઈ કડક સમય મર્યાદા હોતી નથી. તેમ છતાં વિવાદોનો કાયમી ઉકેલ આવ્યા પછી, છૂટાછેડા લીધા બાદ અને પુનઃલગ્ન કર્યા પછી, ખાસ કરીને જ્યારે પતિ બાળકની કસ્ટડી મેળવવાના પોતાના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરે ત્યારે મહિલા દ્વારા આ પ્રકારની અરજી દાખલ કરવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય.
હાઈકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે સંબંધિત પક્ષકારોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ, આ કોર્ટે એ નિર્વિવાદ હકીકતોની નોંધ લીધી કે પક્ષકારો વચ્ચે એક સમાધાન કરાર થયો હતો. જેના પરિણામે છૂટાછેડા થયા હતા. આ કરારમાં એક ખાસ જોગવાઈ હતી જે પતિને બદલાયેલી પરિસ્થિતિઓમાં બાળકની કસ્ટડી માટે અરજી કરવાની છૂટ આપતી હતી. જોકે પતિની અગાઉની કસ્ટડી અરજી અધિકારક્ષેત્રના અભાવે ફગાવી દેવામાં આવી હતી. તેમ છતાં તેને સક્ષમ અદાલત સમક્ષ જવાનો સંપૂર્ણ અધિકાર હતો. પત્નીએ, છૂટાછેડાનો હુકમ મેળવી લીધા બાદ અને કસ્ટડી અરજી અંગેની નોટિસ મળ્યા પછી જ તાત્કાલિક ઘરેલુ હિસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ હેઠળ અરજી દાખલ કરી હતી. જે કાયદા અને કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ જણાય છે.
શું છે આ મામલો
આ પ્રકરણમાં દંપતીના લગ્ન વર્ષ ૨૦૦૬માં અમદાવાદમાં હિન્દુ વિધિથી થયા હતા. તેમની વચ્ચેના સંબંધો કથળતા તેઓ જુદા થઇ ગયા હતા. દરમિયાન ૨૦૧૩માં એક બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ તેમની વચ્ચે વૈવાહિક તકરારો સંબંધિત કેસો શરૂ થયા હતા. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહિલાએ દહેજ ધારા સહિતની ફરિયાદ કરી હતી અને પછી પરત ખેંચી લીધી હતી. વર્ષ ૨૦૧૫માં ફેમિલી કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા. તેમની વચ્ચે એક સમાધાન પણ થયું હતું, જે મુજબ તેમણે તમામ તકરારોનું સમાધાન કર્યું હતું અને બાળકની કસ્ટડી માતાને આપવામાં આવી હતી. જોકે પિતાને એ છૂટ આપવામાં આવી હતી કે જો સમય અને સંજોગો બદલાય તો તેઓ બાળકની કસ્ટડીનો દાવો કરી શકે. હવે જ્યારે મહિલા બાળકને યોગ્ય રીતે રાખી શકતી નહોતી, તેથી પતિએ બાળકની કસ્ટડીની અરજી કરી, ત્યારબાદ જ પત્નીએ ઘરેલુ હિસાની અરજી કરીને પ્રેશર ઊભું કરવાની નીતિ અપનાવી હતી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
