<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વલસાડના મોગરાવાડીમાં છૂટાછેડાના વિવાદ લોહિયાળ બન્યો : પતિએ પત્ની પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પંથકમાં ચકચાર

લોહીલુહાણ હાલતમાં પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી:પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. છૂટાછેડાના વિવાદ વચ્ચે ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોહીલુહાણ હાલતમાં પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પ્રમુખી ગ્રીન પાસે આવેલી બાલ કૃષ્ણા રેસિડન્સીના રૂમ નંબર 201માં આ ચકચારી ઘટના બની હતી. અહીં રહેતા જગદીશ સોલંકી અને તેમની પત્ની પુષ્પાબેન વચ્ચે લાંબા સમયથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જગદીશ સોલંકીએ આવેશમાં આવી જઈ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.

 

મળતી વિગતો મુજબ, પુષ્પાબેન જ્યારે પોતાના દીકરાને મળવા માટે ઘરે આવ્યા હતા, ત્યારે પતિ જગદીશ સોલંકી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. વાત વણસતા જગદીશ સોલંકીએ ઉશ્કેરાઈને ઘરમાં રહેલા ચપ્પુ વડે પુષ્પાબેન પર હિંસક પ્રહાર કર્યા હતા. પત્નીના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

 

ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત પુષ્પાબેનને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં ટીમ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે હુમલાખોર પતિ જગદીશ સોલંકીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો તથા સતત ઝગડા ચાલતા હતા. સંતાનની મુલાકાત સમયે જ આ પ્રકારનો જીવલેણ હુમલો થતા રહીશોમાં પણ આશ્ચર્ય અને ભય ફેલાયો છે. વલસાડ પોલીસે અત્યારે ગુનો નોંધીને આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

(1:49 PM IST)