તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશેઃ ઓસ્ટ્રેલિયા સ્થિત પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
માત્ર ૬ દિવસના લગ્ન જીવન બાદ પતિ-પત્ની પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હતાઃ ફેમીલી કોર્ટે પતિની રૂબરૂ હાજરીનો આગ્રહ રાખતા બન્ને અરજદારે હાઇકોર્ટમાં દાદ માંગેલી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં.
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે. કેસની વિગત મુજબ, એપ્રિલ ૨૦૨૪માં લગ્ન કરનાર એક દંપતી માત્ર છ દિવસ સાથે રહ્યા હતા અને બાદમાં બંને વચ્ચે વૈવાહિક તકરારોને લઈ બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. આ મામલે દંપતી દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં દાખલ કરાયો હતો. જો કે, ફેમિલી કોર્ટે પતિ ઓસ્ટ્રેલિયા રહેતો હોય તેની ઓનલાઇન હાજરી માન્ય રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને તેને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવાનો આગ્રહ રાખ્યો હતો. જેને પગલે અરજદાર દંપતીએ ફેમિલી કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ પતિ-પત્ની વચ્ચેનો પરસ્પર સંમતિથી છૂટાછેડાનો સીધો કેસ હતો તેમ છતાં ફેમિલી કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કર્યા હતા. હાઈકોર્ટે અરજદાર દંપતીની અરજી મંજૂર રાખતાં ફેમિલી કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ હાજરીને બહાલી આપી સ્પષ્ટ કર્યું કે, પ્રક્રિયાગત કઠોરતાઓ વાસ્તવિક ન્યાય મેળવવામાં મદદ કરવાને બદલે માર્ગમાં અવરોધ ઊભા કર્યા છે, આ વિવાદીત નિર્દેશો રદબાતલ થવાપાત્ર છે. જસ્ટિસ જે.સી.દોશીએ ફેમિલી કોર્ટના વલણની ટીકા કરતાં જણાવ્યું કે, કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કરીને અરજદારોને ન્યાય આપવાને બદલે મુશ્કેલી વધારી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
