તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
દેવભૂમિ ભવિષ્ય બદ્રીનાથના પાવન ધામે દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો મંગલ પ્રારંભ
ભગવાન વેદ વ્યાસજીની તપોભૂમિ અને નારાયણના સાક્ષાત સ્વરૂપ સમા બદ્રીનાથમાં રામેશ્વર બાપુ હરિયાણીના મુખે ગવાતી કથામાં દેશભરના શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભવિષ્ય બદ્રીનાથ:દેવભૂમિના પવિત્ર ધામ એવા ભવિષ્ય બદ્રીનાથમાં જ્યાં સાક્ષાત ભગવાન નારાયણ બિરાજમાન છે, તે પુણ્યશાળી ભૂમિ પર ગત તારીખ ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ દિવ્ય ભાગવત કથાનો પ્રારંભ થયો છે. પરમ પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીના શ્રીમુખે વહી રહેલી આ ભક્તિમય કથાના આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. અમદાવાદના દવે પરિવાર દ્વારા આ સમગ્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત રાજસ્થાન અને સ્થાનિક પહાડી વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે.
શ્રીમદ ભાગવત એ સ્વયં નારાયણનું જ સ્વરૂપ છે - રામેશ્વર બાપુ:
કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી રામેશ્વર બાપુએ ભાગવત મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત એ માત્ર ગ્રંથ નથી પરંતુ સ્વયં નારાયણનું જ સ્વરૂપ છે, જે ભક્તોને પ્રત્યક્ષ દર્શન આપી રહ્યું છે. આ ભૂમિનો મહિમા અપાર છે કારણ કે દેવભૂમિ પોતે નારાયણની ભૂમિ છે. આ ભૂમિ પર જ સનત કુમારોએ ભાગવત કથાનું ગાન કર્યું હતું અને ગંગા કિનારે શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ પવિત્ર કથા સંભળાવી હતી. બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાગવત કથાનું ઉદ્ભવ સ્થાન આ દેવભૂમિ છે અને ભગવાન વેદ વ્યાસજીએ આ ગ્રંથની રચના બદ્રીનાથમાં જ કરી હતી.
વિશ્વને પ્રકાશિત કરતું સનાતન ધર્મનું મૂળ:
ભગવાન વેદ વ્યાસજી દ્વારા દેવભૂમિમાંથી વિશ્વને અર્પણ કરવામાં આવેલ શ્રીમદ ભાગવત આજે સમગ્ર જગતને આધ્યાત્મિક પ્રકાશ આપી રહ્યું છે. સનાતન ધર્મના મૂળભૂત પાયામાં આ પવિત્ર કથાની બહુ મોટી અને મહત્ત્વની ભૂમિકા રહી છે. દેવભૂમિમાં સનાતન ધર્મનો ધ્વજ સદાય લહેરાતો રહ્યો છે અને આવા પવિત્ર સ્થળે કથાનું આયોજન થવું એ ભક્તો માટે અહોભાગ્યની વાત છે.
અમદાવાદના દવે પરિવારના સૌજન્યથી આયોજિત આ જ્ઞાનયજ્ઞ હિન્દી ભાષામાં થઈ રહ્યો છે, જેથી વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ કથાના મર્મને સારી રીતે સમજી શકે. ભવિષ્ય બદ્રીનાથની આ પવિત્ર ધરા પર ચાલી રહેલી કથામાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને નારાયણની ભક્તિમાં લીન થયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
