News of Tuesday, 10th November 2026
તિલકવાડામાં દિવાળી પર્વ નિમિત્તે ૫૦૦ જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને મીઠાઈ અને સાડીનું વિતરણ કરાયું
નર્મદા ઉત્તર તટ ચેરિટેબલ ટ્રસ્ટ અને મારુતિ યુવક મંડળ દ્વારા સરાહનીય આયોજન: મારુતિ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમથી મહિલાઓના ચહેરા પર દિવાળીનુ સ્મિત જોવા મળ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા : પ્રકાશના પર્વ દિવાળીના શુભ અવસર પર તિલકવાડા ખાતે એક ગૌરવપૂર્ણ અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તિલકવાડા સ્થિત પવિત્ર મારુતિ મંદિર ખાતે નર્મદા ઉત્તર તટ ચેરિટેબલ ટ્રસ્ટ અને મારુતિ યુવક મંડળ, તિલકવાડાના સંયુક્ત ઉપક્રમે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા એક અનોખો સેવાયજ્ઞ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કથાકાર પૂજ્ય જયદેવ શાસ્ત્રીજી અને સંત શ્રી ચંદ્રમોલી સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત આ વિસ્તારની આશરે 500 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને આદરપૂર્વક સાડી અને મીઠાઈ આપવામાં આવી. તહેવારોના દિવસોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પણ ઉત્સાહભેર દિવાળી ઉજવી શકે તેવા ઉમદા આશયથી આ પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું હતું. સાડી અને મીઠાઈની કીટ મેળવીને ઉપસ્થિત તમામ મહિલાઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી અને તેમણે સંસ્થાના આ કાર્યને બિરદાવી અંતર પૂર્વકના આશિષ આપ્યા હતા.
આશીર્વાદ વચન પાઠવતા પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજી અને સંત શ્રી સ્વામીજીએ જણાવ્યું કે દિવાળી એ માત્ર રોશનીનો જ તહેવાર નહીં પરંતુ અન્યના જીવનમાં અંધકાર દૂર કરી ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. નારી શક્તિનું સન્માન અને તેમની ખુશી એ જ સાચી લક્ષ્મી પૂજા છે. સંતોના હસ્તે દિવાળીની આવી સુંદર ભેટ મેળવીને તમામ મહિલાઓના ચહેરા પર અનોખો આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો
કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્મદા ઉત્તર તટ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મારુતિ યુવક મંડળ, તિલકવાડાના ઉત્સાહી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મારુતિ મંદિરના પટાંગણમાં યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
