તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિલોડા ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ કરાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યોને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જુઓ વિડિયો
વડનગરથી વારાણસી બાઇક રેલી થકી ગામડે ગામડે જઈને જનસેવા એ દેશમાં સેવાનું નવું ઉદાહરણ : જન્મદિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા પ્રત્યક્ષ સેવા કાર્યો કરવા નીકળ્યા હોય તેવો વિશ્વનો પ્રથમ ઐતિહાસિક દાખલો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની ૨૫ વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ચિલોડા ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ‘વડનગરથી વારાણસી બાઇક રેલી’ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેઓ ચિલોડા રૂટથી પોતે પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા.
ગંગા સ્વરૂપા બહેનોનું સન્માન અને સેવા યાત્રા:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંગા સ્વરૂપા માતાઓ અને બહેનોનું સન્માન કર્યું હતું, જેના પ્રત્યુત્તરમાં ગંગા સ્વરૂપા માતાઓએ ઓવારણા લઈ વડાપ્રધાનના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અનાજની કીટ કોઈ સામાન્ય ભેટ નથી, પરંતુ સમાજની ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતી સેવા યાત્રાનું એક પવિત્ર અંગ છે.
જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની સરાહના:
વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની સરાહના કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કાચા મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા લાખો ગરીબ પરિવારોને પાકી છત આપીને ગૌરવભેર જીવવાનો અધિકાર અપાયો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ ની સહાય, ખેતરો સુધી સિંચાઈનું પાણી અને ઘરોમાં ૨૪ કલાક અવિરત વીજળી પહોંચાડી ખેડૂતોનું સન્માન વધાર્યું છે. દેશની કરોડો મહિલાઓને ખુલ્લામાં શૌચની મજબૂરીમાંથી મુક્તિ અપાવી 'ઇજ્જત ઘર' દ્વારા સાચું સન્માન પૂરું પાડવામાં આવ્યું છે.
વડનગરથી વારાણસી બાઇક રેલીની વિશેષતાઓ:
બાઇક રેલીની મહત્તા વર્ણવતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતના યુવાનો વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરથી કર્મભૂમિ વારાણસી સુધી ગામે-ગામ સેવાનો સંદેશ લઈને નીકળ્યા છે. આ યુવાનો પ્રતિદિન ૧૦ જૂથોમાં વિભાજિત થઈ આશરે ૫૦ ગામોની મુલાકાત લેશે; જ્યાં સ્વચ્છતા અભિયાન, ગૌસેવા, વડીલોના ખબરઅંતર પૂછવા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે તે સુનિશ્ચિત કરશે. કોઈ લોકપ્રિય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આટલી વિશાળ સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા પ્રત્યક્ષ સેવા કાર્યો કરવા નીકળ્યા હોય તેવો આ દેશ અને દુનિયાનો પ્રથમ ઐતિહાસિક દાખલો છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ધારાસભ્ય જે. એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
