તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના પરાજય બાદ વિખવાદ :દિનેશ પરમારે હાર માટે જીગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવી રાજીનામાની માંગ કરી
કિટ વહેંચણીમાં પક્ષને હરાવવાનું કાવતરું રચાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે 2027 ની ચૂંટણી પહેલા પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની જરૂરિયાત પર ભાર મુક્યો

બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીના પરિણામો બાદ મોટો વિવાદ સર્જાયો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે હાર માટે સીધો આક્ષેપ જીગ્નેશ મેવાણી પર લગાવ્યો છે. તેમણે મેવાણીને હાર માટે મુખ્ય જવાબદાર ગણાવ્યા છે. અગાઉ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ધ્યાન અપાયું નહોતું. ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં કોંગ્રેસને જાણી જોઈને હરાવવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી છે. આ હાર પાછળ માત્ર ને માત્ર જીગ્નેશ મેવાણીની રણનીતિ કામ કરી ગઈ છે.
ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે કે 2027 ના ટેસ્ટમાં લોકોએ જીગ્નેશ મેવાણીને સંપૂર્ણ રીતે નકાર્યા છે. દિલ્હી અને પ્રદેશ સંગઠને આ ગંભીર બાબતની નોંધ લેવી ખૂબ જરૂરી છે. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના માનીતા અને ચેલા-ચપાટાને ટિકિટ આપીને કોંગ્રેસને હરાવવાનું કામ થયું છે. લાયક ઉમેદવારોના બદલે મનસ્વી રીતે ટિકિટ વહેંચીને પક્ષના પાયા નબળા કર્યા છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ પક્ષના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.
દિનેશ પરમારે કોંગ્રેસના હાઈકમાન્ડ અને મોવડી મંડળને ખાસ વિનંતી કરી છે. આગામી સમયમાં વડગામ મતવિસ્તારને બચાવી લેવા માટે નક્કર પગલાં લેવા અનિવાર્ય છે. જો સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે દિલ્હી દરબાર આ વિવાદ પર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. કોંગ્રેસની આ આંતરિક લડાઈ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
