તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
વસ્તી ગણતરીના સરકારી પરિપત્રોમાં વિસંગતતા? શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ
હેડ ક્વાર્ટર ન છોડવાની આ સૂચના માત્ર અમુક જ જિલ્લામાં આપવામાં આવી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે સરકાર સમક્ષ સ્પષ્ટતાની માંગ કરી

અમદાવાદ :કેન્દ્ર સરકાર દ્વારા આગામી જૂન માસમાં વસ્તી ગણતરી કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. પરંતુ, આ કામગીરીના આદેશોને લઈને ગુજરાત રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે સરકાર સમક્ષ સ્પષ્ટતાની માંગ કરી છે.
સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની કોઈપણ પ્રકારની રજા મંજૂર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સાબરકાંઠા, દાહોદ અને જૂનાગઢ જેવા અલગ-અલગ જિલ્લાઓમાં કલેક્ટર કક્ષાએથી વસ્તી ગણતરીની કામગીરી અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે.
આ પરિપત્રોમાં કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તાલીમમાં અચૂક હાજર રહેવા અને પોતાનું હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. જોકે, સૌથી મોટી વિસંગતતા એ છે કે હેડ ક્વાર્ટર ન છોડવાની આ સૂચના માત્ર અમુક જ જિલ્લામાં આપવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં આવી કોઈ સૂચના નથી. જિલ્લા દીઠ અલગ-અલગ નિયમો હોવાથી શિક્ષકો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
આ અસમંજસભરી સ્થિતિ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે પ્રતિક્રિયા આપતા આક્રોશ વ્યક્ત કર્યો છે. શિક્ષકોની મૂંઝવણને વાચા આપતા તેમણે જણાવ્યું કે, સરકારે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્પષ્ટતા કરવી જોઈએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્પષ્ટ માંગ છે કે સમગ્ર રાજ્યમાં વસ્તી ગણતરીને લગતા નિયમો અંગે એક સરખો નિર્ણય લેવામાં આવે અને તેનો સમાન રીતે અમલ કરવામાં આવે. જેથી કર્મચારીઓ કોઈપણ જાતના ડર કે મૂંઝવણ વિના પોતાની ફરજ બજાવી શકે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
